ગુજરાતને હાશકારો : વાયુનો રૂટ બદલાયો, વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું

ગુજરાત મુખ્ય સમાચાર

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું વાયુને લઈને ગુજરાત માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે રાત્રે વાવાઝોડાએ રૂટ બદલ્યો હોવાથી હવે ગુજરાત પર ત્રાટકશે નહીં અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ એટલે કે ઓમાન તરફ ફંટાયું છે. રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે તંત્રને વધુ આદેશ ના મળે ત્યાં સુધી સ્ટેન્ડબાય રહેવા સુચના આપી છે. વાયુ વાવાઝોડું બપોરનાં સમયે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર નજીકથી પસાર થઈ જશે. જેને પગલે સંખ્યાબંધ ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજ્ય સરકાર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે ત્રણ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કાંઠા વિસ્તારમાં કાચા મકાનોમાં રહેતા લોકોને ફરજીયાત ઘર ખાલી કરીને રાહત છાવણીમાં ખસેડવામાં આવ્યા હતા.

અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે, ‘વાયુ વાવાઝોડું ગુજરાત પર નહીં ત્રાટકે. તે માત્ર કાંઠા વિસ્તાર નજીકથી પસાર થશે. વાવાઝોડાના રૂટમાં સહેજ બદલાવ થયો છે. જો કે તેમ છતા ભારે પવન ફૂંકાશે તેમજ અનેક ગામોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે.’

હવામાન વિભાગના અધિક મહાનિર્દેશક દેવેન્દ્ર પ્રધાનના મતે વાયુ વાવાઝોડું દરિયાની અંદર રહેશે અને તે ગુજરાતની દરિયાપટ્ટીની સમીપથી પસાર થશે. વાવાઝોડું રાત્રીના સમયે સહેજ પશ્ચિમ તરફ ફંટાયું છે. અગાઉ ગુરુવારે બોપરે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તાર પર ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.

વાયુનો રૂટ ફંટાયો હોવાથી ગુજરાતને મોટી રાહત મળી છે. જો કે તેમ છતા દરિયાકાંઠા નજીકથી તે પસાર થવાનું હોવાથી ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમી-દ્વારકા સહિતના કેટલાક જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે.

‘વાયુ’ની આંખ ગુજરાતમાં નહીં ત્રાટકે

વાયુનો પ્રકોપ ગુજરાત પર મંડરાયો હોવાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જો કે હવે વાયુની આંખ ગુજરાત પર નહીં ત્રાટકે. વાવાઝોડાની આંખને ખૂબજ ઘાતક ગણવામાં આવે છે, તે જ્યાં ત્રાટકે ત્યાં ભયંકર વિનાશ વેરાવાની સંભાવના રહેલી હોય છે. અગાઉ મંગળવારની સેટેલાઈટ ઈમેજ મુજબ વાયુની આંખ ગુજરાત પર હતી જો કે બુધવારે રાતે વાયુ સહેજ ફંડાયું હોવાથી હવે તેની આંખ ગુજરાત પર ત્રાટકશે નહીં. વાયુ વાવાઝોડું ગુરુવારે બપોરે 3 વાગ્યા આસપાસ ગુજરાતના દરિયાકાંઠા નજીકથી પસાર થશે જેને પગલે 140-155 કિમી પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાઈ શકે છે.

સરકાર વધુ આદેશ ના આપે ત્યાં સુધી બંદરો પર કામગીરી બંધ રાખવા તેમજ દરિયામાં માછીમારોને ના જવા આદેશ આપ્યો છે. કાંઠા વિસ્તારોમાં ટ્રેન, રેલ અને હવાઈ સેવા રદ કરવામાં આવી છે.

એનડીઆરએફ, એસડીઆઈએર, આર્મી, વાયુ સેના, નૌસેના અને બીએસએફની ટીમોને ખડેપગે રહેવા આદેશ અપાયો છે.