ચેકપોસ્ટ નાબૂદ કરનારું ગુજરાત 22મું રાજ્ય, અડચણો વિના અમલ થઈ શકશે?

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્ય સરકારે આજે(14 નવેમ્બર) 20 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ગુજરાત ચેકપોસ્ટ નાબૂદ કરનારું દેશનું 22મું રાજ્ય બન્યું છે. રાજ્ય સરકાર વાહન વ્યવહાર સંબંધિત સેવાઓમાં છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ સુધારાઓ કરી રહી છે. પરંતુ મોટા ભાગના નિર્ણયો લાગુ થવામાં અનેક અડચણો આવી રહી છે અને સંપૂર્ણ રીતે અમલ થઈ શક્યો નથી. જેનું સૌથી મોટું ઉદાહરણ HSRP(હાઈસિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ) નંબર પ્લેટ છે, વર્ષ 2013થી HSRP નંબર પ્લેટ લગાવવાની શરૂઆત થઈ હતી. પરંતુ છ છ વર્ષ વીત્યા અને 10થી વધુવાર મુદ્દતો વધારવામાં આવી હોવાછતાં રાજ્યના લાખો વાહનોમાં HSRP નંબર પ્લેટ લાગી શકી નથી. આ ઉપરાંત પીયુસી અને હેલ્મેટના નિયમોનો પણ સંપૂર્ણ અમલ થઈ શક્યો નથી.

ચેકપોસ્ટ પર થતા ભ્રષ્ટાચારની બદી અટકશેઃ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિયેશન
ચેકપોસ્ટ નાબૂદ કરવાના નિર્ણય અંગે અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ મુકેશ દવેએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચેકપોસ્ટ નાબૂદીના નિર્ણયને અમે આવકારીએ છીએ. આ નિર્ણયથી જે લોકો ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર કરતા હતા તે બદી દૂર થઈ જશે. તેમાં પણ જો ફ્લાઈંગ સ્કવોડ અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવાને બદલે જો એક જ જગ્યાએ ચેકિંગ કરે તો ટ્રાન્સપોર્ટેશનના સમયનો બચાવ થઈ શકે.

22 રાજ્યોમાં ચેકપોસ્ટ નાબૂદ જ્યારે 8માં પ્રક્રિયા ચાલુ
જીએસટી લાગુ થયા બાદ બિહાર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, હરિયાણા, કેરાલા, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, સિક્કીમ, છત્તિસગઢ, દિલ્હી, ગોવા, ઝારખંડ, ઓડિશા, પુડ્ડુચેરી, રાજસ્થાન, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 22 રાજ્યોમાં ચેકપોસ્ટ નાબૂદ થઈ ગઈ છે. જ્યારે હિમાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, પંજાબ, મિઝોરમ અને ત્રિપુરામાં ચેકપોસ્ટ નાબૂદીની પ્રક્રિયા ચાલી રહી છે.

HSRP, હેલ્મેટ અને પીયુસીની મુદ્દત વારંવાર વધારી
આ પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ્સ અધિનિયમ 2019નો અમલ 16 સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાની જાહેરાત કરાઇ હતી. જે અંતર્ગત પીયુસી અને જૂના વાહનોમાં પણ એચએસઆરપી ફરજિયાત કરાઇ હતી. છેવટે રાજ્યમાં વાહનચાલકોને સમયસર પીયુસી અને એચએસઆરપી આપી શકે તેવી માળખાકીય સુવિધાના અભાવે રાજ્ય સરકારને પીયુસીનો 30મી સપ્ટે. એટલે કે 1 ઓક્ટોબરથી અમલ અને જૂના વાહનમાં નવી એચએસઆરપી લગાડવાની 16 ઓક્ટોબર એટલે કે 17 ઓક્ટોબરથી જુના વાહનમાં HSRP ફરજીયાત કરવાનો નિર્ણય લીધો હતો. જો કે આમ છતાં વાહનોમાં HSRP નંબર પ્લેટ ન લાગતા, પીયુસી ન નીકળતા આ મુદ્દત 31 ઓક્ટોબર સુધી લંબાવવાની ફરજ પડી હતી. આ સિવાય હેલ્મેટ મામલે પણ નવા નિયમો મુજબના દંડમાંથી 31 ઓક્ટોબર સુધી મુક્તિ આપી હતી.