અમેરિકાના કોલોરાડો પ્રાંતના ડેનવર શહેરમાં સફેદ દાઢી ધરાવતો એક શખ્સ રસ્તાઓ પર ડોલર ઉડાડી રહ્યો હતો અને લોકોને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી રહ્યો હતો જેને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પરંતુ બાદમાં લોકોને કોલોરાડોની એકેડમીક બેંકમાં ચોરી થઈ હોવાની અને તે ‘ક્રિસમસ ભેટ’ આપનારી વ્યક્તિ જ ચોર હોવાની જાણ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ બેંક લૂંટનાર વ્યક્તિએ ‘મેરી ક્રિસમસ’ બોલતાં-બોલતાં હજારો ડોલર હવામાં ઉડાડી દીધા હતા. પોલીસે ડેવિડ વાયન ઓલિવર નામની 65 વર્ષીય વ્યક્તિની બાદમાં એક કોફી શોપમાંથી ધરપકડ કરી લીધી હતી.
પોલીસના અહેવાલ પ્રમાણે આરોપી બેંકમાં જઈ ગોળી મારવાની ધમકી આપીને મોટી રકમ લૂંટી ફરાર થઈ ગયો હતો. ઓલિવર બેંકમાંથી બેગ લઈને બહાર નીકળતો જોવા મળ્યો હતો પરંતુ તેણે કેટલી રકમની લૂંટ કરેલી તે હજુ અસ્પષ્ટ છે.
આરોપી હજારો ડોલર રસ્તાઓ પર ઉડાડયા બાદ કોફી શોપ સામે બેસી પોલીસની રાહ જોવા લાગ્યો હતો અને તેણે એકલાએ જ તે ચોરી કરી હતી. જાણવા મળ્યા મુજબ લોકોએ રસ્તાઓ પરથી ડોલર ઉઠાવીને બેંકને પરત સોંપી દીધા હતા.

