નાગરિકતા બિલના મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યુ છે કે, આરએસએસના વડાપ્રધાન ભારતમાતા સાથે જુઠ્ઠુ બોલે છે.
રાહુલ ગાંધીએ પોતાના નિવેદનના સમર્થનમાં આસામમાં ડિેટેન્શન સેન્ટર સાથે જોડાયેલો એક વિડિયો રજૂ કર્યો છે. જેમાં સેન્ટરનુ બાંધકામ થતુ નજરે પડે છે. તેની સાથે રાહુલે પીએમ મોદીનુ એ ભાષણ ટ્વિટ કર્યુ છે જેમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી.
આ ભાષણ પીએમ મોદીએ દિલ્હીમાં રામલીલા મેદાન પર યોજાયેલી રેલીમાં આપ્યુ હતુ.જેમાં તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ અને અર્બન નક્સલવાદીઓએ ડિટેન્શન સેન્ટર અંગે જે પણ અફવાઓ ફેલાવી છે તે દેશને બરબાદ કરવાના ઈરાદથી ફેલાવાઈ છે. આ જુઠ્ઠાણુ છે..જુઠ્ઠાણુ છે અને જુઠ્ઠાણુ છે.
દરમિયાન ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યુ હતુ કે, તમને ભારત માતાની યાદ આવે તે પણ આશ્ચર્ય છે. કારણકે તમારા માટે તો એક જ માતા છે. સાપ-સીડીની તમે જે રમત રમી રહ્યા છો તેમાં ઉંધા મોઢે પછડાવાના છે.સીએએ, એનઆરસી અને એનપીઆર પર તમે ભ્રમ ઉભા કરી રહ્યા છો. તમે અકસ્માતે નેતા થઈ ગયા છો.
તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસે દેશને ભ્રમમાં નાંખ્યો છે કે, આખા દેશમાં ડિટેનશન સેન્ટર બની રહ્યા છે. કોઈ બચશે નહી. આસામ અંગે તો તમામને ખબર છે કે ત્યાં ડિટેન્શન સેન્ટર છે. જે કોંગ્રેસ કહી રહી છે કે, અમે જ બનાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ટ્વિટર પર જે તસવીર મુકી છે તે આસામના મટિયા નામના ગામની છે. જ્યાં ડિટેન્શન સેન્ટર બની રહ્યુ છે. જેનુ કામ ડિસેમ્બર 2018થી ચાલી રહ્યુ છે.

