કચ્છમાં કંડલા નજીક આવેલા એક નિર્જન ટાપુ ઉપરથી સેટેલાઇટ ફોન મળી આવતાં પંથકમાં ખળભળાટ મચ્યો છે. આ વિસ્તારના કેટલાક માછીમારો આ ટાપુ પર માછલી સુકવવા ગયા એ સમયે તેમને આ ફોન મળી આવ્યો હતો. આ ફોન સેટેલાઇટ ફોન હોવાનું ખૂલતા પોલીસને જાણ કરીને સોંપી દેવામાં આવ્યો છે. નિર્જન ટાપુ પર સેટેલાઇટ ફોન ક્યાંથી આવ્યો? આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં બીજી ફેબ્રુઆરીના રોજ આ વિસ્તારના કેટલાક માછીમારો માછલી સૂકવવા માટે પપરવા નામના ટાપુ ઉપર ગયા હતા. કંડલા પોર્ટની જેટી નંબર ૧૦થી આગળ આવેલી નવલખી ચેનલમાં આ ટાપુ આવેલો છે.
માછીમારો ગઈકાલે સોમવારે જ્યારે સૂકવેલી માછલીઓ પરત લેવા ગયા હતા એ સમયે તેમને થર્મોકોલના રેપરમાં વિંટેલો એક ફોન મળી આવ્યો હતો. આ ફોન ઇનમાર કંપની છે. માછીમારો આ ફોનને રૂટિન ફોન સમજીને સિમકાર્ડ નંખાવવા માટે ગાંધીધામની બજારમાં લઈ ગયા હતા. જ્યાં દુકાનદારે આ ફોન સેટેલાઇટ ફોન હોવાનું કહ્યું હતું.
બાદમાં માછીમારો આ ફોન પોલીસ પાસે લઈ ગયા હતા. આ ફોન ટાપુ પર કેવીરીતે આવ્યો અને કોણ લઈ આવ્યું? તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સેટેલાઇટ ફોન સહેલાઇથી મળી શકતા નથી, ત્યારે ટાપુ પર પડેલો ફોન કોનો? તે મામલે ગંભીરતા પૂર્વક તપાસ ચાલી રહી છે.

