અલ્હાબાદ હાઈકોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન તેમજ તેમના પરિવારને મોટો ફટકો આપ્યો છે. આઝમ ખાનના દીકરા અને રામપુરની સ્વાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અબ્દુલ્લાએ પોતાનું ધારાસભ્ય પદ છોડવું પડશે. હાઈકોર્ટે ચૂંટણી સમયે ખોટી ઉંમર બતાવવાના કારણે તેમનું સભ્યપદ રદ્દ કરી દીધું છે.
નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનના દીકરા અબ્દુલ્લા સ્વાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ મામલામાં વર્ષ 2017માં બહુજન સમાજ પાર્ટીના નેતા નવાબ કાઝિમ અલીએ ચૂંટણી અપીલ દાખલ કરી હતી. ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતી વખતે પોતાની ઉંમર 25 વર્ષ લખાવી હતી. પરંતુ તેમની સાચી ઉંમર અને ઉમેદવારી નોંઘણી વખતની ઉંમરમાં ફેરફાર જોવા મળ્યો છે.
કાઝિમ અલી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમણે ફરિયાદ કરી છે કે ઉમેદવારી નોંધાવતી વખતે અબ્દુલ્લાએ બનવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમાં જમા કારવેલી 10માં ધોરણનું પ્રમાણપત્ર તેમજ અન્ય કેટલાક મહત્વના દસ્તાવેજો રજૂ કર્યા હતા તે પ્રમાણે તેમની ઉંમર 25 વર્ષની થતી નહતી. કાઝિમે અબ્દુલ્લા પર ચૂંટણી પંચને બનાવટી દસ્તાવેજો આપવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ કેસ પર ચુકાદો સંભળાવતા જસ્ટિસ એસપી કેસરવાનીની બેન્ચે 27 સપ્ટેમ્બરના રોજ જજમેન્ટ રિઝર્વ કરી લીધું હતું. આ મામલામાં આજે ચુકાદો સંભળાવતા હાઈકોર્ટે તેમનું સભ્યપદ રદ્દ કરી દેવાનો આદેશ આપ્યો છે.

