ગૃહમંત્રીની હિમ્મત નથી કે તેઓ પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લે: સોનિયા ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય

નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશના પૂર્વોત્તર રાજ્યો સહિત અન્ય કેટલાક ભાગોમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનો અને દિલ્હી જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની કડક કાર્યવાહી પર આકરી પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર સત્તા નહીં સંભાળી શકવાના આરોપ લગાવ્યા છે. એક પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, મોદી સરકાર હિંસા અને ભાગલા નીતિ પર સત્તા ચલાવી રહી છે. સત્તામાં બેઠેલા લોકો જ્યારે હિંસા કરાવે, બંધારણ પર હુમલા કરે, દેશના યુવાવર્ગના અધિકારો છીનવે, તો દેશ કેવી રીતે ચાલે?

આ દરમિયાન સોનિયા ગાંધીએ અમિત શાહને પણ નિશાને લીધા હતાં, તેમણે જણાવ્યું કે અસમ, ત્રિપુરા અને મેઘાલય સળગી રહ્યાં છે. અસમમાં પોલીસની કાર્યવાહીમાં ચાર યુવાનોએ જીવ ગુમાવ્યો. દિલ્હીથી પશ્ચિમ બંગાળ સુધી હિંસાનું વાતાવરણ છે. એવામાં ગૃહમંત્રી અમિત શાહની હિમ્મત નથી કે તેઓ પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લે. અહીં સુધી કે હિંસા અને વિરોધને કારણે બાંગ્લાદેશ અને જાપાનના વડાપ્રધાને હિન્દુસ્તાનની મુલાકાત રદ કરી હતી. 

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યા હતા કે નાગરિકતા કાયદો અને NRC વિભાજન કરનાર નીતિ છે. તેમણે કહ્યું કે મોદી સરકાર અને તેના મંત્રીઓ દેશના યુવાઓને ઉગ્રવાદી, નક્સલવાદી, અલગાવવાદી, દેશદ્રોહી સાબિત કરવામાં વ્યસ્ત છે.