નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ જામિયા અને અલીગઢ યૂનિવર્સિટી બાદ હવે લખનઉની નાદવા કોલેજમાં પણ ઉગ્ર પ્રદર્શન થયા છે. દારુલ નદવાતુલ ઉલામા (નદવા કોલેજ)ના મુખ્ય ગેટ પર વિદ્યાર્થીઓ અને પોલીસમાં હિંસક અથડામણ જોવા મળી છે. પોલીસે કોલેજના ગેટને બંધ કરી દીધો છે. અંદરથી હજારો વિદ્યાર્થીઓ જામિયાના વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે નારેબાજી કરી રહ્યા છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગેટની બીજી તરફ ઉભેલા પોલીસકર્મીઓ પર પથ્થરમારો પણ કર્યો છે. જવાબી કાર્યવાહીમાં કેટલાક પોલીસકર્મીઓએ પણ વિદ્યાર્થીઓ પર પથ્થરો ફેંક્યા હતા. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ ખડેપગે છે. કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે ફાયર બ્રિગેડની પણ ઘણી બધી ગાડીઓને કોલેજ પર બોલાવી રાખી હતી.
ઉત્તરપ્રદેશના ડીજીપી ઓ.પી. સિંહે જણાવ્યું કે ‘હવે અહીં સ્થિતિ નિયંત્રણમાં છે. નદવા કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ પથ્થરમારો કરીને વિરોધ પ્રદર્શન કરવાની કોશિશ કરી રહ્યા હતા. આ ઘટનામાં કોઈ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત નથી થયા. અમે એક પણ વિદ્યાર્થીને કેમ્પસમાંથી બહાર નથી આવવા દીધા.’

