ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના કારણે પાકુડમાં જનસભાનું સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જનસભામાં કહ્યું કે હવે રામ મંદિરના નિર્માણનો સમય આવી ગયો છે. ચાર મહિનાની અંદર-અંદર અયોધ્યામાં ભવ્યાતિભવ્ય ગગનચૂંબી રામ મંદિર બનવા જઈ રહ્યું છે.
અમિત શાહે જનસભાને સંબોધતા કહ્યું કે થોડા સમય અગાઉ જ સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદાસ્પદ જમીન મામલે ચુકાદો સંભળાવ્યો હતો. છેલ્લા 100 વર્ષોથી સમગ્ર વિશ્વમાં ભારતીયો રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બનાવવા માટે માગ કરી રહ્યા છે. રામ મંદિરની દશકો જૂની માગનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે દેશનો દરેક વ્યક્તિ રામ મંદિર બને તેવું ઈચ્છે છે.
શાહે કહ્યું કે ‘ફક્ત કોંગ્રેસ અને તેમના વકીલ કોર્ટમાં રામ મંદિરના નિર્માણ સામે રોડા નાખી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં કહેતા હતા કે આ કેસ પર અત્યારે ચર્ચા ન કરવામાં આવે. તો મારે એમને પૂછવું છે કે કેમ ભાઈ, આ મામલે કોર્ટમાં કેસ ચાલે તો તમારા પેટમાં કેમ દુ:ખાય છે?’

