શહેરમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણને પગલે ઠંન્ડકનો માહોલ છે. ગોતા, એસજી હાઈવે, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સવારે ઝરમર ઝરમર વરસાદ બાદ બપોરે પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરમાં સવારખી બપોર સુધી સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો સરખેજમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. હાલ રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 136.66 ટકા વરસાદ નોંધાયો છે. ડિપ્રેશન સર્જાતા હજુ 48 કલાક અતિશય ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
20 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
શહેરમાં સાંજથી સતત જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. 20થી 30 કિલોમીટર પ્રતિ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન અને વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને ઝાડ ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડ્સમાં પણ મંડપ ખૂલી ગયા છે. જેને કારણે આયોજકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે પવન અને વરસાદને કારણે જીએમડીસી ગ્રાઉન્ડના ગરબા પણ રદ કરવામાં આવ્યા છે.
શહેરમાં અનેક જગ્યાએ દુર્ઘટના
શહેરના કૃષ્ણનગર રોડ અને નવાવાડજ વિસ્તારમાં ઝાડ કાર પર ધરાશાયી થવાની ઘટના બની છે. ભારે પવનને કારણે શહેરમાં 50થી વધુ જગ્યાએ ઝાડ, હોર્ડિંગ્સ તથા દીવાલ પડવાની ઘટનાઓ બની છે. જેને લઇને અમદાવાદ ફાયરબ્રિગેડને 2 કલાકમાં 50થી વધુ કોલ મળ્યા છે અને હજી સતત કોલ મળી રહ્યા છે. આ ઉપરાંત અનેક જગ્યાએ વીજપોલ પણ ધરાશાયી થયા છે.