વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. અહીં વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાનું સ્વાગત કર્યું હતું. મેલેનિયા અહીં થોડી મિનિટો રોકાયા હતા અને ત્યારપછી સરકારી સ્કૂલની મુલાકાતે જવા રવાના થઈ ગયા હતા. હાલ હૈદરાબાદ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ડિફેન્સ સેક્ટરના મહત્વના કરાર થવાની શક્યતા છે.
આજની બેઠક દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે 6 કરાર થવાની શક્યતા છે. તેમાં 21 હજાર કરોડ રૂપિયાનો રક્ષા સોદો મહત્વનો માનવામાં આવે છે. અમદાવાદના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિએ જ આ વિશે જાહેરાત કરી છે. આ સિવાય ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ રિએક્ટર સાથે જોડાયેલો કરાર પણ નક્કી માનવામાં આવે છે. તેના અંતર્ગત અમેરિકા ભારતને 6 રિએક્ટર સપ્લાય કરશે. હાલ આ બેઠકમાં કોઈ પણ પ્રકારની વેપાર સમજૂતી કરાર થવાની શક્યતા ખૂબ નહિવત છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, આ વિશે ચર્ચા ચોકક્સ થશે.
MH-60 રોમિયો મલ્ટીરોલ હેલિકોપ્ટર્સ (સી-હોક) ખરીદવાનો કરાર સૌથી મહત્વનો
અમેરિકા પાસેથી સી-હોક હેલિકોપ્ટર ખરીદવાની ચર્ચા ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. આ ડીલ નક્કી માનવામાં આવે છે. 21 હજાર કરોડના રક્ષા સોદોમાં માત્ર આ ડીલ માટે જ રૂ. 18,626 કરોડનો ખર્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવે છે. નૌસેનાને 24 સી-હોક હેલિકોપ્ટરની જરૂર છે. આ હેલિકોપ્ટર્સ દરેક સીઝનમાં અને દિવસના કોઈ પણ સમયે હુમલો કરવા માટે સક્ષમ છે. છુપાયેલી સબમરિન્સને ટાર્ગેટ કરવામાં આ હેલિકોપ્ટરની કોઈ સરખામણી કરી શકે એમ નથી. ચોથી જનરેશનનું આ હેલિકોપ્ટર સમગ્ર દુનિયામાં નૌસેના માટે ખૂબ એડ્વાન્સ માનવામાં આવે છે. આ સોદા સિવાય ભારત અમેરિકા પાસેથી 800 મિલિયન ડોલરના 6 એએચ-64ઈ અપાચે હેલિકોપ્ટર્સ ખરીદી શકે છે. તે સાથે જ ભારતને અમેરિકા મિસાઈલ ડિફેન્સ શીલ્ડ પણ વેચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી તેઓ રશિયાની એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ભારત આવતા રોકી શકે. જોકે રક્ષા સૂત્રોનું કહેવું છે કે, આ વિશે કોઈ સમજૂતી નહીં થાય. રશિયા સમજૂતી પર ભારત અડગ રહેશે.
પરમાણુ રિએક્ટર માટે થઈ શકે છે નવી સમજૂતી
અમેરિકાના વેસ્ટિંગહાઉસ અને ભારતના એનપીસીઆઈએલ વચ્ચે થનારી આ સમજૂતી પણ લગભગ નક્કી જ માનવામાં આવે છે. ટ્રમ્પના ભારત આવતા પહેલાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ કહ્યું છે કે, ન્યૂક્લિયર પાવર પ્રોજેક્ટને આગળ વધારવા માટે વેસ્ટિંગહાઉસ અને એનપીસીઆઈએલ વચ્ચે વાતચીત થઈ છે. જોકે બંને દેશોમાં લાયબિલિટી પોલિસીથી લઈને અત્યાર સુધી આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી. એટલે કે કોઈ એટમી ઘટના સમયે જવાબદારી સપ્લાયર કંપનીની રહેશે કે પ્લાન્ટ ઓપરેટર તે વિશે વાત અટવાયેલી છે.
વેપાર સમજૂતીની શક્યતા નહિવત, પરંતુ ભારતને આશા
બંને દેશોમાં વેપાર સમજૂતીની શક્યતાઓ ખૂબ ઓછી છે. અમેરિકાએ ભારતને જીએસપીની યાદીમાંથી હટાવી દીધું છે. જીએસપી અંતર્ગત ભારત અમેરિકાને 3,000 પ્રોડક્ટ ડ્યૂટી ફ્રી નિકાસ કરી શતું હતું. તેમાં જ્વેલરી અને ચોખા મુખ્ય હતા. ભારત ઈચ્છે છે કે અમેરિકા ફરી તેમને જીએસપી યાદીમાં રાખે. તે સાથે જ ભારત સ્ટીલ ઉપર પણ 25 ટકા વધારાનો વેરો પાછો ખેંચવાની માગણી કરી રહ્યા છે. ભારત અમેરિકાને 5,391 કરોડ રૂપિયાની સ્ટીલની નિકાસ કરે છે. વેરો વધારતા આ નિકાસ અડધી થઈ ગઈ છે. અમેરિકા ડેરી પ્રોડક્ટ પણ ભારતને વેચવા માંગે છે. પરંતુ અમેરિકામાં ગાયોને માંસાહારી ચારો ખવડાવવામાં આવે છે, તેથી ભારતને તે પસંદ નથી. આ સિવાય અમેરિકન ઉત્પાદનો પર ભારતમાં લગાવવામાં આવતો આયાત વેરોપણ એક મોટો મુદ્દો છે. આ તમામ મુદ્દે વાતચીત હજી અંતિમ તબક્કે નથી પહોંચી. જોકે ટ્રમ્પની આ મુલાકાત દરમિયાન નાની-મોટી વેપાર સમજૂતી થવાની શક્યતા છે.
આજે કયા મુદ્દે વાતચીત શક્ય
આજે બંને નેતાઓ વચ્ચે વાતચીતમાં આતંકવાદ, ધાર્મિક સુરક્ષા, કાશ્મીર મુદ્દો, ભારત-પાક વચ્ચે તણાવ અને અફઘાનિસ્તાન જેવા મુદ્દાઓ સામેલ થશે. ભારતીય બંધારણની કલમ 370 હટાવ્યા પછીની કાશ્મીરની સ્થિતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. ટ્રમ્પની મુલાકાત પહેલા વ્હાઈટ હાઉસના ઓફિશિયલ સૂત્રોએ આ વિશે મહત્વની વાતચીત થવા અંગે ઈશારો કર્યો હતો. નાગરિકતા સંશોધન કાયદા પછી દેશમાં મુસ્લિમોમાં ધાર્મિક અસુરક્ષા વિશે પણ ટ્રમ્પ વાતચીત કરી શકે છે.
યુએસ એમ્બેસીમાં ઉદ્યોગપતિઓને મળશે ટ્રમ્પ
પ્રતિનિધિમંડળની વાતચીત પછી મોદી અમેરિકન રાષ્ટ્રપતિને લંચ આપશે. ત્યારપછી ટ્રમ્પ યુએસ એમ્બેસીમાં એ પ્રાઈવેટ કાર્યક્રમ અટેન્ડ કરશે. તેમાં તેઓ ઉદ્યોગપતિઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ કરે તેવી શક્યતા છે. ટ્રમ્પ સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે.

