અધ્યક્ષ અમિત શાહનો કેન્દ્રીય કેબિનેટમા સમાવેશ થયા બાદ ભાજપમા નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ ચાલી રહી છે. જોકે, અમિત શાહ હજુ પાર્ટી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. એમણે 13 જૂનના રોજ ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન મહામંત્રીઓની બેઠક બોલાવી છે. લોકસભા ચૂંટણી પછી સંગઠન સ્તરમા આ પ્રથમ મોટી બેઠક હશે. સૂત્રો અનુસાર, આ બેઠકમા પાર્ટીના નવા અધ્યક્ષને લઈને પણ ચર્ચા કરવામા આવશે.
અમિત શાહના ગૃહ મંત્રી બન્યા બાદ એવો અંદાજ લગાવવામા આવે છે કે, પાર્ટી કાર્યકારી અધ્યક્ષ પણ નિયુક્ત કરી શકે છે અને તેના માટે જેપી નડ્ડા અને મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ આ રેસમાં આગળ છે. જોકે, આ મુદ્દે પાર્ટી તરફથી નિવેદન મળ્યુ નથી. પાર્ટીના સૂત્રો અનુસાર, ઘણા રાજ્યોમા થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમા રાખીને અમિત શાહના પાર્ટી અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ વધારવામા આવી શકે છે.