ચક્રવાતી વાવાઝોડા બુલબુલ આગામી 6 કલાકમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓરિસા અને પશ્ચિમ બંગાળના સમુદ્રી કિનારાના વિસ્તારોમાં આ વાવાઝોડાની ભારે અસર જોવા મળી શકે છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. તો બીજી બાજુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે ધ્યાન રાખી રહ્યાં છે.
આ વાવાઝોડાને લઈને વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ પીએમના મુખ્ય સચિવ ડૉ, પીકે મિશ્રાએ ઓડિસ્સા, પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાશિત પ્રદેશ આંદમાન-નિકોબાર દ્વીપ સમુહના મુખ્ય સચિવો સાથે બેઠક કરી જેમાં પ્રાકૃતિક આપદાનો સામનો કરવા માટે શું શું તૈયારીઓ કરવામાં આવી તેની સમિક્ષા કરાઈ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે આ બેઠકમાં બુલબુલ વાવાઝોડાના થોડા જ કલાકો પહેલા તેની અસરની સમીક્ષા કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના ડાયરેક્ટર જનરલે બુલબુલ ચક્રવાતની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બુલબુલની જે વિસ્તારમાં અસર થશે ત્યાં 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે વાવાઝોડાના કેન્દ્રમાં તેની ઝડપ 90 કિલોમીટર પ્રતિક કલાક હોઈ શકે છે કે પછી તેનાથી વધારે પણ હોઈ શકે છે.
માછીમારોને આપવામાં આવ્યા ખાસ નિર્દેશ
આ અગાઉ હવામાન વિભાગના ક્ષેત્રીય ડાયરેક્ટર જી કે દાસે કહ્યું હતું કે, ચક્રવાત બુલબુલ કોલકાતાથી 930 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ છે અને ગુરૂવારે રાત્રે તે વધારે વેગીલુ અને ભયાનક બને તેવી શક્યતા છે. શનિવારે તો તે વધારે શક્તિશાળી બનીએ ‘ખુબ જ ગંભીર’ની શ્રેણીમાં પહોંચી જશે. જેનાથી સમુદ્રમાં સ્થિતિ વધારે પ્રતિકુળ બનશે. જેને ધ્યાનમાં રાખીને માછીમારોને ગુરૂવારે સાંજ સુધીમાં સમુદ્ર કિનારે પાછા ફરી જવા અને આગામી સૂચના ના મળે ત્યાં સુધી દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું તો?
દાસે જણાવ્યું હતું કે, આ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સમુદ્ર કિનારા તફજ ટકરાય તેવી શક્યતા છે. હવામાન વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું ખુબ જ ભયાનક તોફાનમાં ફેરવાઈ તો તેની મહત્તમ ઝડપ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી જશે અને વાવાઝોડાના કેન્દ્રમાં ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક હશે.

