બે દિવસે વીએસના ‘જવાબદારો’ સામે પોલીસે ફરિયાદ નોંધી, બંને યુવતીના સગા ડેડબોડી લેવા તૈયાર

ગુજરાત મુખ્ય સમાચાર

છેલ્લા 24 કલાકથી જેના માટે વીએસ હોસ્પિટલના સંકુલમાં બે મૃતક યુવતીના સગા હોસ્પિટલ સત્તાધીશો અને પોલીસના નામના છાજિયા લઈ રહ્યા હતા તે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. આનેપગલે બંને યુવતી- નસરીન અને મિતલના સગાં તેમના મૃતદેહનો કબજો લેવા તૈયાર થઈ ગયા છે. જો કે, એલિસબ્રિજ પોલીસે સામાન્ય સંજોગોમાં બિલકુલ ન નોંધાય તેવી પોકળ અને માત્ર નોંધવા ખાતર ફરિયાદ નોંધી હોય તેવો કોંગ્રેસના કેટલાક નેતાઓએ આક્ષેપ કર્યો છે. આજે સવારથી ફરિયાદ નોંધવી કે ફરીથી અરજી લેવી તે બાબતે કશ્મકશ ચાલ્યા બાદ એલિસબ્રિજ પોલીસ પર ઉપરથી દબાણ વધી જતાં મોડી સાંજે બંને યુવતી મિતલ અને નસરીન કે જેમના મૃતદેહ બદલાઈ ગયા હતા તેમના સગાઓને બોલાવીને વીએસ હોસ્પિટલના પીએમ રૂમના જવાબદાર તબીબો અને કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી છે.

તદ્દન પોકળ અને ઔપચારિકતા ખાતર એફઆઈઆર નોંધી હોય તેવા આક્ષેપો
એલિસબ્રિજ પોલીસે બે દિવસની મથામણ બાદ ભલે મૃતદેહ બદલાઈ જવા સબબ વીએસ હોસ્પિટલના જવાબદારો સામે ફરિયાદ નોંધી હોય પરંતુ તે માત્ર ઔપચારિકતા ખાતર હોય તેવો કોંગ્રેસના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે. આ ફરિયાદમાં ઈપીકોની કલમ 406, 420, 323, 120 (બી) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(2) (5-એ) લગાડવામાં આવી છે. એટલું જ નહીં, આરોપી તરીકે કોઈનું નામ નથી લખાયું અને પીએમ રૂમના જવાબદાર ડૉક્ટરો અને કર્મચારીઓને દર્શાવાયા છે. સામાન્ય સંજોગોમાં પોલીસ આવી પાયાવિહોણી ફરિયાદ નોંધે કે કેમ તે એક પ્રશ્ન છે.

કોને નોકરીમાંથી બરતરફ કર્યો તેનું નામ પણ વીએસ તંત્ર જણાવતું નથી
વીએસ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ પટેલે શનિવારે સવારે પત્રકારોને કહ્યું હતું કે, તેમણે આ સમગ્ર મામલે તપાસ માટે કમિટીની રચના કરી છે અને તેના તારણોના આધારે પગલાં લેવાશે. કોઈ પણ જવાબદાર હશે તેને છોડવામાં આવશે નહીં અને આ મામલે પ્રાથમિક તબક્કે એક સર્વન્ટની ભૂલ જણાઈ આવતા તેને નોકરીમાંથી બરતરફ પણ કરાયો છે. જો કે, હજી સુધી વીએસ હોસ્પિટલના સત્તાવાળાઓ કે ખુદ સુપરિન્ટેન્ડેન્ટમાંથી કોઈએ પણ કયા સર્વન્ટને કાઢી મૂકાયો તેની કોઈ પુષ્ટિ કરી નથી. આમ અહીં પણ કુલડીમાં જ ગોળ ભંગાયો હોવાનું જણાઈ આવે છે.

મિતલની કાલે બીજી વખત અંતિમવિધિ, નસરીનનો મૃતદેહ કર્ણાટક મોકલાશે
નસરીનના મૃતદેહને મિતલ સમજીને તેના સગાએ એક વખત તો ધોલેરા પાસેના પૈતૃક ગામમાં અંતિમવિધિ કરી પણ નાંખી હતી. જો કે, તે મૃતદેહ મિતલનો ન હોવાનું સ્પષ્ટ થયા બાદ તેને કબર ખોદી બહાર કઢાયો હતો. હવે વીએસ હોસ્પિટલના શબઘરમાં ચાર દિવસથી રહેલો મિતલનો અસલી મૃતદેહ તેના પરિવારને સોંપી દેવાયો છે. તેના પિતા રમેશભાઈએ જણાવ્યું હતું કે, હવે તેઓ તેમના ગામડે જઈને આવતીકાલે તેમની દિકરીના મૃતદેહની અંતિમવિધિ કરશે. જ્યારે નસરીનના મૃતદેહને કર્ણાટક મોકલવામાં આવશે.