બેંગ્લોરમાં એક યુવકને થિયેટરમાં ચાલી રહેલા રાષ્ટ્રગાન દરમ્યાન પોતાની સીટ પર ઉભુ નહી થવાનું ભારે પડી ગયું. પહેલા તો તેને ત્યાં હાજર લોકોએ માર્યો અને ત્યારબાદ પોલીસે પણ તેની વિરુદ્ધ રાષ્ટ્રીય સન્માન અધિનિયમના અપમાનની કલમ હેઠળ ધરપકડ કરી લીધી. જોકે, તેજ દિવસે તેને જામીન મળી ગયા. જાણકારી અનુસાર, જીતિન ચાંદ નામના 29 વર્ષીય યુવક બેંગલોરના મગરત રોડ સ્થિત એક મોલમાં ફિલ્મ જોવા માટે ગયો હતો. ફિલ્મ શરૂ થયા પહેલા રાષ્ટ્રગાન દરમ્યાન તે ઉભો ન થયો. રાષ્ટ્રગાન ખતમ થયા બાદ તેની સીટ સામે બેઠેલા કેટલાક યુવકોએ પહેલા તેની સાથે વાતચીત કરી ત્યારબાદ તેને મુક્કો માર્યો. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, સિનેમાઘરમાં જ્યારે રાષ્ટ્રગાન વાગે ત્યારે જરૂરી નથી કે તમે ઉભા થાઓ.
જિતિને ટ્વીટ કરી જાણકારી આપી કે, જે યુવકોએ મારપીટ કરી તેમમે અન્ય લોકોને પણ ઉશ્કેર્યા અને પછી થિયેટરમાં હાજર કેટલાએ લોકોએ તેની સાથે મારપીટ કરી. આ દરમ્યાન થિયેટરના સ્ટાફ અને મેનેજરે પણ કોઈ બચાવ ન કર્યો. જોકે, બાદમાં પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ.
જિતિન અનુસાર, પોલીસે પણ તેનો સાથ ન આપ્યો અને મારપીટ કરનારા લોકોને ત્યાંથી જવા દીધા. બાદમાં પોલીસ તેને એ કહી સાથે લઈ ગઈ કે મારપીટ કરનારા વિરુદ્ધ નિવેદન લેવાનું છે, જેથી મારપીટ કરનાર આરોપીઓ સામે મામલો નોંધી શકાય. પરંતુ, જિતિન અનુસાર, પોલીસ સ્ટેશન પહોંચતા જ પોલીસે તેને ફસાવી દીધો અને તેની વિરુદ્ધ મામલો નોંધી દીધો.
પોલીસ અનુસાર, જિતિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે જ્યારે રાષ્ટ્રગાન વાગતું હતું ત્યારે તેણે અપશબ્દો અને ગંદી ભાષાનો પ્રયોગ કર્યો. ત્યારબાદ પોલીસે રાષ્ટ્રીય સન્માન અધિનિયમના અપમાનની કલમ 2 હેઠળ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી. બાદમાં તેજ દિવસે તેના જામીન પણ થઈ ગયા. જોકે, જિતિનનું કહેવું છે કે, તેણે કોઈ અપશબ્દ નથી બોલ્યા.

