મધ્ય પ્રદેશના રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ પછી આવતી કાલે કમલનાથ સરકારનું બહુમતી પરીક્ષણ થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ મુદ્દે સીએમ કમલનાથ નિશ્ચિત મુદ્રામાં જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે દાવો કર્યો હતો કે એમની સરકારને કોઇ ખતરો નથી અને જો ફ્લોર ટેસ્ટ થાય છે તો તેમની સરકાર ખરી ઉતરશે. આ સાથે તેમણે ભાજપ પર આરોપ લગાવ્યા હતા કે તેણે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુમાં બંધક બનાવી રાખ્યા છે. કમલનાથે કહ્યુ કે ભાજપના આ હરકત પર મધ્ય પ્રદેશની જનતાએ વિચારવાનુ છે કે સત્તા માટે ભાજપ કઇ હદ સુધી જઇ શકે છે.
મીડિયા સાથે વાતચીતમાં કમલનાથે કહ્યુ કે ભાજપ એના જહાજમાં બેસાડીને કોંગ્રેસ ધારાસભ્યોને બેંગલુરુ લઇ ગઇ. કર્ણાટક પોલીસ તેમની સુરક્ષા કરી રહી છે અને એમના રાજીનામા ભાજપના નેતા જ લઇને આપી રહ્યા છે. એવામા સ્પષ્ટ છે કે તેણે કોંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવી રાખ્યા છે.
મધ્ય પ્રદેશ સીએમએ કહ્યુ કે તેમના દ્વારા પ્રદેશમાં ચલાવવામાં આવી રહેલા અભિયાનોથી ભાજપ ડરી ગઇ છે. વિતેલા 15 વર્ષમાં ભાજપ સરકારના કાર્યકાળમાં થયેલા કૌભાંડો ખુલવાના ડરે આ કૃત્ય કરવામાં આવ્યું છે.

