ગુજરાત કોંગ્રેસમાં પણ ભૂકંપ, ચાર ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં મોટો ભૂકંપ સર્જાયો છે.

ગુજરાતમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. જોકે કયા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેનુ સત્તાવાર એલાન હજી સુધી થયુ નથી. આ ધારાસભ્યોએ રાજીનામા અધ્યક્ષને સોંપી દીધા છે.કાલે આ નામોનો ખુલાસો થશે.

જોકે સૂત્રોનુ કહેવુ છે કે, આ ચાર ધારાસભ્યોમાં જે વી કાકડિયા અને સોમભાઈ પટેલનો સમાવેશ થઈ શકે છે. આ બંને ધારાસભ્યો ગાયબ છે અને કોંગ્રેસના સંપર્કમાં પણ નથી.

આ સિવાય બીજા બે કયા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેની પણ અટકળો જ થઈ રહી છે. આ પહેલા કોંગ્રેસે ભાજપ ધારાસભ્યોની તોડફોડ કરે તેવી આસંકા હોવાથી 15 ધારાસભ્યોને રાજસ્થાન ખસેડ્યા છે.

182 ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં ભાજપ પાસે 103, કોંગ્રેસ પાસે 73 વિધાયક છે. રાજ્યસભાના ઉમેદવારને જીતવા માટે 37 મતની જરૂર છે. બંને પાર્ટી પાસે બે બેઠકો જીતવા માટે પૂરતુ સંખ્યાબળ છે. હાલમાં ભાજપ પાસે 3 અને કોંગ્રેસ પાસે એક બેઠક છે.

ભાજપને પોતાના ત્રણ ઉમેદવારોને જીતાડવા 111 મતોની જરુર પડે તેમ છે. આ સંજોગોમાં 8 મત મેળવવા પડે તેમ છે. ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનને જીતાડવા માટે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોની તોડફોડ કરે અને અપક્ષ ધારાસભ્યોને મત મેળવવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યો છે.