ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વ પર કહેર વર્તાવી રહ્યો છે એવામાં આજે SAARC દેશોના સભ્યોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વાયરસ સામે લડવાની રણનીતિ પર ચર્ચા કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત SAARC દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે, પરંતુ આપણે સાવચેત રહેવાની જરુર છે. તૈયાર રહો પરંતુ ગભરાશો નહીં આજ અમારુ સૂત્ર છે. વિકાસશીલ દેશો સામે કોરોના સંકટ મોટો પડકાર છે અને તેની સામે લડવા માટે સમયાંતરે જરુરી પગલા લીધા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SAARC દેશોના સભ્યોને વીડિયો કોન્ફરન્સ થકી રણનીતિ બનાવવા અને ચર્ચા કરવાની રજૂઆત કરી હતી.
SAARC દેશોના સભ્યોને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે અમે આ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ, હું આ વાયરસના ફેલાવાને રોકવા માટે ભારતના અનુભવોના પરિણામોને શેર કરવા ઇચ્છુક છું. અમારો માર્ગદર્શક મંત્ર છે તૈયાર રહો, પરંતુ ગભરાશો નહીં.
SAARC સભ્ય દેશોના વીડિયો કોન્ફરન્સમાં માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે કહ્યુ કે ભારત પાસેથી મદદ મેળવવા માટે માલદીવ ભાગ્યશાળી છે. હું સરકાર તરફથી પીએમ મોદી અને ભારતના લોકોની પ્રશંસા કરુ છું.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે કહ્યુ કે સૌથી પહેલા હું પોતાના અનુભવો, વિચારોને વહેંચવા, પડકારોને સમજવા અને ઉપાયો પર ચર્ચા કરવા માટે પીએમ મોદીને ધન્યવાદ આપુ છું.
અફઘાનના રાષ્ટ્રપતિ ગનીએ કહ્યુ કે આપણે કોરોના વાયરસ સામે લડવા માટે ટેલી મેડિસિનનું એક સામાન્ય માળખુ તૈયાર કરવું જોઇએ. સરહદો બંધ થવાથી ભોજન, દવાઓ અને પ્રાથમિક વસ્તુઓની ઉણપ જેવી સમસ્યાઓ ઉભી થશે.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યુ કે હું પીએમ મોદીનો ધન્યવાદ આપુ છું કે તેમણે આ પહેલ કરી. ભારતીય વિદ્યાર્થીઓ સાથે વુહાનથી અમારા 23 વિદ્યાર્થીઓને લાવવા માટે તેમની મેજબાની માટે આભાર માનું છું.
નેપાળના પીએમ કે.પી. શર્મા ઓલીએ કહ્યુ કે પીએમ મોદીનો આ પહેલ માટે આભાર માનુ છું. આપણુ સામૂહિક જ્ઞાન અને પ્રયત્ન હાલમાં કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. જે SAARC માટે મજબૂત રણનીતિ તૈયાર કરવામાં મદદ કરશે
આ ઘાતક વાયરસના ચેપથી 135થી વધુ દેશોમાં 5700થી વધારે લોકો માર્યા ગયા છે અને 150000થી વધારે લોકોમાં ચેપ ફેલાઇ ચૂક્યો છે.

