કોચી : દુબઈની ફ્લાઈટના ટેક ઓફ અગાઉ કોરોનાગ્રસ્ત યુકેના નાગરિક સહિત 20ની અટકાયત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોચીથી દુબઈની ફ્લાઈટમાં જઈ રહેલા મુસાફરો પૈકી યુકેના નાગરિકને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ફ્લાઈટમાં કુલ 289 મુસાફરો હતા. સૂત્રોના જણાવ્યા મુજબ યુકેના નાગરિકને કોરોના હોવાની જાણ થતા ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને નીચે ઉતારી દેવાયા હતા અને યુકેના નાગરિક સહિત 20 મુસાફરોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઈટને ટેક ઓફ થવાની મંજૂર આપવામાં આવી હતી.

કોચી આંતરાષ્ટ્રીય એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યા મુજબ કોરોના પોઝિટિવ જણાયેલા વ્યક્તિને નજીકની સરકારી હોસ્પિટલમાં આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યો છે. 20 મુસાફરોની અટક કર્યા બાદ ફ્લાઈટ દુબઈ માટે રવાના થઈ હતી. રવિવારે દુબઈ જતી એમિરાત્સની ફ્લાઈટમાં યુકેના એક નાગરિકને કોરોના હોવાની જાણ થયા બાદ 289 મુસાફરોને નીચે ઉતારવાની ફરજ પડી હતી. જો કે ફ્લાઈટ રવાના થઈ ત્યારે કેટલા મુસાફરો હતા તે જણાવવાનો પ્રવક્તાએ ઈનકાર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કેરળના મુન્નારમાં હીલ રિસોર્ટમાં રોકાયેલા 19 પ્રવાસીઓ પૈકી એક યુકેનો નાગરિક પણ હતો. હાલ તેને સર્વેક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેણે મુન્નારના સત્તાધીશોને જાણ કર્યા વગર રિસોર્ટ છોડી દીધું હતું. કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જાણ થઈ હતી કે યુકેનો નાગરિક એરપોર્ટ પર પહોંચ્યો છે અને એમિરાત્સની ફ્લાઈટમાં મુસાફરી કરવાનો છે. જેને પગલે સત્તાધીશોને ફ્લાઈટને ટેક ઓફ થતી અટકાવી હતી અને તમામ મુસાફરોને નીચે ઉતારી દેવાયા હતા. ત્યારબાદ 20 મુસાફરોની અટક બાદ ફ્લાઈટને જવાની મંજૂરી આપવામાં આવી હતી.