ISRO આગામી વર્ષના નવેમ્બરમાં ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. આ જાણકારી ગુરવારે ઇસરોના સૂત્રોએ આપી હતી. તેમણે જણાવ્યું કે 2020માં ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારવા માટે ઇસરોએ એક ઉચ્ચસ્તરિય કમિટીનું ગઠન કર્યું છે. તેનું નેતૃત્વ તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એસ.સોમનાથ કરી રહ્યા છે. આ સેન્ટરને ઇસરોના દરેક લોન્ચ વ્હિકલ પ્રોગ્રામની જવાબદારી સોંપાઇ છે. ચંદ્રયાન-3 સંબંધિત દરેક રિપોર્ટ આ કમિટી તૈયાર કરશે.
ઈસરોના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું, ”પેનલના રિપોર્ટની રાહ જોવાય છે. કમિટીને આગામી વર્ષ પૂર્ણ થતા પહેલા આ મિશન સંબંધિત દરેક દિશાનિર્દેશ તૈયાર કરવા માટે કહેવાયું છે. ચંદ્રયાન-3ના લોન્ચિંગ માટે આગામી વર્ષના નવેમ્બરનો સમય યોગ્ય છે.” સૂત્રો પ્રમાણે આ સમયે રોવર, લેન્ડર અને લેન્ડિંગની દરેક પ્રક્રિયાઓ પર વધારે ધ્યાન આપવામાં આવશે. ચંદ્રયાન-2માં જે ખામીઓ રહી તેમને સુધારવા પર કામ કરવામાં આવશે.
ચંદ્રયાન-2ની ખામીઓ જાણવા માટે એક કમિટી ગઠિત
આ પહેલા 7 સપ્ટેમ્બરના ઇસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પહેલાજ લેન્ડર સાથે ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ અલગ અલગ એકેડમી અને ઇસરોના વિશેષજ્ઞોની ટીમે લેન્ટરથી ઇસરોના સંપર્ક તૂટવા પાછળના કારણો જાણવાનું કામ કર્યું.
તેના માટે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડાયરેક્ટર વી. નારાયણનના નેતૃત્વમાં એક રાષ્ટ્રીય સ્તરની કમિટી બનાવવામાં આવી હતી. તેમાં વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર અને યૂઆર રાવ સેટેલાઇટ સેન્ટરના તજજ્ઞોને પણ પેનલમાં સભ્ય બનાવવામાં આવ્યા હતા. અધિકારીઓ પ્રમાણે- કમિટીએ આ અભિયાન દરમિયાનની ભૂલો અને કારણોની જાણકારી મેળવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સ્પેસ કમિટી આ વિષય પર તેમનો રિપોર્ટ કમિશનને સોંપી ચૂકી છે. પ્રધાનમંત્રી કાર્યાલય પાસેથી સ્વીકૃતિ મળ્યા બાદ આ રિપોર્ટને સાર્વજનિક કરી દેવામાં આવશે.

