રાજ્યને પહેલી ડિસેમ્બરે નવા મુખ્ય સચિવ મળવા જઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ આવતીકાલે નિવૃત્ત થશે. 30 નવેમ્બરે જે.એન. સિંઘનો નિવૃત થવાનો છેલ્લો દિવસ છે. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ તરીકે કોણ હશે તેના પરથી આવતીકાલે રહસ્ય ખુલશે. આવતીકાલે (શુક્રવારે) સીએમઓના મુખ્ય સચિવ કે.કૈલાસનાથન દિલ્હી જશે. તેઓ PMO સાથે મુખ્ય સચિવની નામની ચર્ચા કરવા માટે દિલ્હી જતા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આવતીકાલે ગુજરાતના મુખ્ય સચિવની ગાદી કોણ સંભાળશે તેનું નામ આખરે સામે આવશે.
ગુજરાત રાજ્યને મુખ્ય સચિવ પદે નામની જાહેરાત 30મી તારીખે મોડી સાંજે કરવામાં આવે તેવી સંભાવના છે. પરંતુ તે પહેલા જ કદાચ નામની જાહેરાત થઈ જાય. ઉલ્લેખનીય છે કે, હાલના ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘને છ મહિનાનું આપેલું એક્સ્ટેન્શન પણ 30 નવેમ્બરના રોજ પૂરુ થઈ રહ્યું છે.
મુખ્ય સચિવની રેસમાં કોણ કોણ…
– સિનિયોરીટી પ્રમાણે અરવિંદ અગ્રવાલનું નામ પ્રથમ સામે આવી રહ્યું છે. અરવિંદ અગ્રવાલ હાલ નાણા વિભાગમાં કાર્યરત છે. અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે.
– મુખ્ય સચિવની રેસમાં અનિલ મુકિમનું નામ પણ ટોપ પર છે. અનિલ મુકીમ 1985 બેચના IAS છે. અનિલ મુકિમ હાલ કેન્દ્ર સરકારમાં કાર્યરત છે. તેઓ મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સના સેક્રેટરી તરીકે કાર્યરત છે.
– મુખ્ય સચિવની રેસમાં પંકજ કુમાર, ગુરૂપ્રસાદ મહાપાત્રાનું નામ પણ રેસમાં ચાલી રહ્યું છે. ત્યારે આવતીકાલે રાજ્યને મુખ્ય સચિવની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા CMએ અનિલ મુકિમ સાથે મુલાકાત કરી હતી. થોડા દિવસ પહેલા બંને વચ્ચે આ મુદ્દાને લઈને મુલાકાત થઈ હતી. જોકે પસંદગી ગુજરાત માટે કરવાની હોવાથી આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી આખરી ગણાશે. રાજ્ય સરકાર દ્વારા પીએમઓ કક્ષાએ મુખ્ય સચિવના નામની ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે. રાજ્ય સરકાર દ્વારા મુખ્ય સચિવ પદે ત્રણ નામોની પેનલ મોકલોમાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

