“મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે…”ના ઉદ્ઘોષ સાથે જ રાજ્યમાં ઉદ્ધવ યુગના ‘જય મહારાષ્ટ્ર’

મુખ્ય સમાચાર રાજકીય

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે. ઉદ્ધવ ઠાકરેએ મરાઠીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શપથ લેવડાવ્યા હતા. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ વ્યક્તિએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.

શિવસેનાના સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેએ કેબિનેટ મંત્રીના રુપમાં શપથ લીધા હતા.એનસીપીના છગન ભુજબળ અને જયંત પાટિલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. કૉંગ્રેસના બાલાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ 24મી ઓક્ટોબરે જાહેર થયાના એક મહિના બાદ 59 વર્ષના ઠાકરે સીએમ પદના શપથ લીધા છે. શપથગ્રહણ સમારોહ મુંબઇના શિવાજી પાર્કમાં યોજાયો છે. શિવાજી પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ઉદ્ધવે મંચ પર નતમસ્તક થઈને જનતા અને સમર્થકોની સામે આશીર્વાદ લીધા. ઉદ્ધવ ઠાકરે બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદે અને સુભાષ દેસાઈએ પણ મંત્રી પદના શપથ લીધા.

મહારાષ્ટ્રમાં 18મા મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા. લાખોની ભીડ વચ્ચે તેમની શપથવિધિ વખતે જ્યારે તેમણે ‘‘મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે…’’, કહ્યું ત્યારે અનેરો ઉત્સાહ લોકોમાં આવી ગયો હતો. તેમની સાથે શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇએ મંત્રીપદના શપથ લીધા હતા. એનસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબળે શપથ લીધા હતા. બાલાસાહેબ થોરાટ જેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તેમણે મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે નાગપુર ઉત્તર સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતે પણ શપથ લીધા હતા.

ઉદ્ધવ ઠાકરે જ્યારે શપથ ગ્રહણ કરવા પહોંચ્યા તો શિવસેનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન આકાશમાં ભારે આતશબાજી પણ કરવામાં આવી હતી.

ભાઈ રાજ ઠાકરે સ્ટેજ પર આવતા જ ગુંજી તાળીઓ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે આજે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા આવ્યા છે. રાજ ઠાકરે સ્ટેજ પર આવતા જ તાળીઓનો ગડગડાટ થયો હતો. લોકોએ ચીચીયારીઓ પાડીને રાજ ઠાકરેને વધાવી લીધા હતાં. રાજ ઠાકરે ઉદ્ધવના પિતરાઈ ભાઈ છે. થોડા વર્ષો પહેલાં તેમણે શિવસેનાથી અલગ થઈ તેમની અલગ પાર્ટી બનાવી છે.

આ ભવ્યાતિભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ, ડીએમકે ચીફ સ્ટાલિન, એનસીપી સુપ્રીમો શરદ પવાર, એનએનએસ ચીફ રાજ ઠાકરે, મુકેશ અંબાણી પરિવાર, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના અનેક નેતાઓ હાજર રહ્યાં હતાં.