ઉત્તર ભારતમાં ઠંડીનો આતંક: કાશ્મીર વિખુટું પડ્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નવેસરથી પડેલા બરફ અને વરસાદને લીધે જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં લોકો ઠૂંઠવાયા હતા. તો દિલ્હીમાં અચાનક અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો તથા નોઇડા, ફરિદાબાદ અને ગુરુગ્રામમાં ભારે પવન સાથે વંટોળ જેવું વાતાવરણ સર્જાયું હતું. ભારે પવનને લીધે સાંજે 6થી 7 વચ્ચે દિલ્હી આવતી 14 સ્થાનિક અને ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને નજીકના શહેરો તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સતત પડી રહેલા બરફ અને વરસાદને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર અનેક ઠેકાણે ભૂસ્ખલન થયું હતું તથા ટનલની આસપાસ બરફ જામી જવાને લીધે કાશ્મીર બે દિવસથી દેશથી વિખૂટું પડયું હતું. ખરાબ હવામાનને લીધે શ્રીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકની બધી જ ફ્લાઇટો રદ કરાઇ હતી. બનિહાલથી બારામુલ્લા સુધી દોડતી ટ્રેન પણ બંધ થઇ હતી અને ઊંચાણવાળા ક્ષેત્રોમાં થયેલી બરફવર્ષાને લીધે અનેક જિલ્લાનો સંપર્ક તૂટયો હતો. બંને રાજ્યમાં ચાલી રહેલી શીતલહેરને લીધે લોકો સખત ઠંડીથી ઠૂંઠવાયા હતા. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હોવા છતાં ડલ લેક નજીક સહેલાણીઓ સેલ્ફી લેતા અને બરફનો આનંદ ઉઠાવતા દેખાયા હતા. રાજ્યમાં અનેક ઠેકાણે સફેદ ચાદર જેવું બરફનું આવરણ સર્વત્ર છવાયેલું દેખાઇ રહ્યું છે. બરફને લીધે રસ્તા લપસણા થઇ ગયા હોવાથી અનેક લોકોએ પોતાના વાહનો રસ્તા પર જ છોડી દીધા હતા. બરફવર્ષાને લીધે કટડા અને સાંજીછત સુધીની હેલિકોપ્ટર સેવા તથા વૈષ્ણોદેવી દરબારથી ભૈરવ ઘાટી સુધીની કેબલકાર સેવા બંધ કરી દેવાઇ હતી. પટનીટોપ, સનાસર, પુંછ, રાજૌરી વગેરે પહાડી ક્ષેત્રોમાં સતત બરફ પડી રહ્યો છે. આ તરફ ઉત્તરાંચલના પહાડી વિસ્તારોમાં પણ નવેસરથી પડેલા બરફ અને નીચાણવાળા વિસ્તારોમાં પડેલા વરસાદને લીધે રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધ્ય હતો. બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી અને હેમકુંડ સાહિબ, નંદાદેવી નેશનલ પાર્ક તથા સ્કિઇંગ માટે પ્રખ્યાત આઉલીમાં નવેસરથી બરફ પડયો હતો.