વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક પ્રહાર કરતા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે મોદીને ‘ડરપોક’ લેખાવ્યા હતા અને રાફેલ તેમ જ રાષ્ટ્રીય સુરક્ષાને મામલે સામસામે બેસીને પાંચ મિનિટ ચર્ચા કરવા પડકાર્યા હતા. પક્ષના લઘુમતી વિભાગના મેળાવડાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર દેશની સંસ્થા પર કબજો જમાવવાના પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની અમારી સરકાર આરએસએસના વફાદારોને સિસ્ટમમાંથી દૂર કરશે. આક્રમક રાહુલ ગાંધીએ ચીન અંગેની નીતિને મામલે મોદી પર એમ કહીને પ્રહાર કર્યા હતા કે ચીન દોકલામમાં લશ્કર મોકલી રહ્યું છે ત્યારે વડા પ્રધાન કોઇપણ એજન્ડા વિના ચીન જઈને શિખરમંત્રણા યોજી રહ્યા છે. મોદીએ ચીન સામે હાથ જોડી લીધા હોવાનું જણાવતાં રાહુલે કહ્યું હતું કે માત્ર બે જ મહિનામાં ચીનને સમજાઈ ગયું હતું કે આ માણસ (નરેન્દ્ર મોદી) પાસે છપ્પન ઇંચની તો શું ચાર ઇંચની પણ છાતી નથી. રાહુલે કહ્યું હતું કે પાંચ વરસ તેમની વિરુદ્ધ લડવાને કારણે હવે હું મોદીનું ચરિત્ર સમજી ગયો છું. હું ભાજપના નેતાઓને કહું છું કે નરેન્દ્ર મોદીને પાંચ મિનિટ મારી સાથે એક જ મંચ પર સામસામે બેસાડો અને રાફેલ તેમ જ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવા દો. હું એ કહેવા માગુ છું કે મોદી ડરપોક માણસ છે. હું તેમને ઓળખી ગયો છું. કોઈ તેમને એમ કહે કે હું પીછેહઠ નહીં કરું ત્યારે મોદીજી ગભરાઈ જાય છે અને પીછેહઠ કરી લે છે, એમ રાહુલે કહ્યું હતું.

