આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષો દ્વારા કરાતી ‘મહાગઠબંધન’ની ટીકા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશની જનતા વિપક્ષોની ‘મહામિલાવટ’ સરકાર નથી ઇચ્છતી. તેઓએ બહુમતી ધરાવતી એનડીએ સરકારના સારા કામ જોયા છે. પીએમ મોદીએ કૉંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દેશમાં કટોકટી લાદનારો (કૉંગ્રેસ) પક્ષ હવે ન્યાયતંત્રને ડરાવી રહ્યો છે, લશ્કરનું અપમાન કરે છે અને હું સરકારી સંસ્થાઓનો નાશ કરતો હોવાનો આક્ષેપ કરે છે.વડા પ્રધાને રાફેલ યુદ્ધવિમાનોની ખરીદીને મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરી રહેલા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ પક્ષ દેશના હવાઇદળને શક્તિશાળી બનતું જોવા નથી માગતો. તેમણે સવાલ કર્યો હતો કે (રાફેલ સોદામાં) તેઓ (રાહુલ) કઇ કંપનીઓ વતી બિડિંગ કરી (બોલી લગાવી) રહ્યા છે? અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા સંસદના સંયુક્ત સત્રને કરાયેલા સંબોધન બદલ તેમનો આભાર માનતી દરખાસ્ત પરની ચર્ચા વખતે મોદીએ લોકસભામાં જવાબ આપતા જણાવ્યું હતું કે કૉંગ્રેસના નેતા લશ્કરનું અપમાન કરે છે, લશ્કરના વડાને ‘ગુંડા’ કહે છે, કટોકટી લાદે છે અને કહે છે કે મોદી સરકારી સંસ્થાઓનો નાશ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, દેશને કૉંગ્રેસ-મુક્ત બનાવવાનું મારું નહીં પણ ગાંધીજીનું સ્વપ્ન હતું.
તેમણે કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજીના નેતૃત્વ હેઠળ વિપક્ષો દ્વારા તાજેતરમાં યોજાયેલા દેખાવની ટીકા કરતા જણાવ્યું હતું કે દેશની જનતા કોલકાતામાં તાજેતરમાં ભેગા થયેલા વિપક્ષોના નેતાઓની ‘મહામિલાવટ’ સરકાર નથી જોઇતી.

