વૈશ્ર્વિક તાપમાનનો રૅકોર્ડ રાખવાનું શરૂ કરવામાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૮માં પૃથ્વીએ ચોથા ક્રમાંકના સૌથી વધુ ગરમ વર્ષનો અનુભવ કર્યો હોવાનું નાસા અને નેશનલ ઑસિયનિક ઍન્ડ ઍટમોસ્પેરિક ઍડમિનિસ્ટ્રેશન (એનઓએએ)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૮માં પૃથ્વીનું તાપમાન સરેરાશ કરતા વધુ રહ્યું હોવાનું તેમણે નોંધ્યું હતું. નાસાની ગૉડાર્ડ ઈન્સ્ટિટ્યુટ ફૉર સ્પેસ સ્ટડીઝ (જીઆઇએસએસ)એ શોધી કાઢ્યું હતું કે વર્ષ ૧૯૫૦થી વર્ષ ૧૯૮૦ના સમયગાળાની સરખામણીએ વર્ષ ૨૦૧૮માં વૈશ્ર્વિક તાપમાન ૦.૮૩ ડિગ્રી જેટલું વધુ રહ્યું હતું. જોકે વૈશ્ર્વિક સ્તરે વર્ષ ૨૦૧૮નું તાપમાન વર્ષ ૨૦૧૫, વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭ના પ્રમાણમાં ઓછું રહ્યું હતું. સામૂહિક રીતે છેલ્લાં પાંચ વર્ષ આધુનિક રૅકોર્ડમાં સૌથી ગરમ રહ્યા હોવાનું નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

