આવનારા સમયમાં એક અહેવાલ અનુસાર ગ્રીનલૅન્ડ અને ઍન્ટાર્ટિકાસ્થિત પીગળી રહેલી હિમશીલાઓને કારણે અબજો ટન પાણી દરિયામાં ઠલવાઈ રહ્યું છે જેને કારણે ગણતરીના દાયકાઓમાં જ વૈશ્ર્વિક વાતાવરણમાં અરાજકતા સજર્શે અને હવામાનમાં અસાધારણ પલટો જોવા મળશે, એમ સંશોધકોએ બુધવારે કહ્યું હતું. તાજેતરમાં જાહેર થયેલા આ અહેવાલમાં જણાવ્યાનુસાર પીગળતી મહાકાય હિમશીલાઓ, ખાસ કરીને ગ્રીનલૅન્ડની પીગળતી હિમશીલાઓ દરિયાના પ્રવાહને મંદ પાડશે જે ઍટલાન્ટિક મહાસાગરમાં દક્ષિણ તરફ વહેતા ઠંડા પાણીના પાણીના પ્રવાહને કિનારા નજીક ઉત્તર તરફ ધકેલશે. નોંધનીય છે કે ઍટલાન્ટિક મૅરિડિઓનલ ઑવરટર્નિંગ સર્ક્યુલેશન (એએમઓસી) તરીકે જાણીતો આ પ્રવાહી કન્વેયર બૅલ્ટ પૃથ્વીની હવામાનની યંત્રણામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ઉત્તર ગોળાર્ધમાં પ્રમાણસર ગરમાટો જાળવી રાખવામાં મદદ કરે છે. પીગળતી હિમશીલાઓ દરિયાના પ્રવાહને નોંધપાત્ર રીતે ખોરવી નાખે છે અને વિશ્ર્વભરમાં ગરમીનાં સ્તરમાં પરિવર્તન લાવે છે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

