શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની 550મી જયંતી પર 9 નવેમ્બરના પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થશે. કરતારપુર જનારા પહેલા ભારતીય ગ્રુપના 550 શ્રદ્ધાળુઓના નામ ભારતે પાકિસ્તાનને સોંપી દીધા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે ભારત સરકારે પાકિસ્તાન સરકારને એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે કરતારપુર જનારા લોકો માટે પાસપોર્ટની જરૂરિયાત રહેશે. તે સિવાય ભારતે આતંકી ખતરાના ઇનપુટ પણ પાકિસ્તાનને મોકલ્યા છે અને વીઆઇપી ગ્રુપને ચુસ્ત સુરક્ષા પ્રદાન કરવા કહ્યું છે. તે સિવાય થીમ સોંગમાં ખાલિસ્તાન સમર્થન વાળા પોસ્ટર અને ભિંડરાવાલે સહિતની આપત્તિજનક સામગ્રી હટાવવા કહ્યું છે.
ન્યૂઝ એજન્સી પ્રમાણે ભારતે ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ની મળેલી ધમકીની જાણકારી પાકિસ્તાનને આપી છે. પહેલા ગ્રુપની યાદીમાં પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામેલ છે. સૂત્રો પ્રમાણે પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજ્યોતસિંઘ સિદ્દુ તેમાં સામેલ થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
પાકિસ્તાને ઉદ્ધાટન કાર્યક્રમની જાણકારી ભારતને શેર ન કરી
ન્યૂઝ એજન્સી પ્રમાણે પાકિસ્તાને કરતારપુર સંબંધિત કોઇ પણ કાર્યક્રમની જાણકારી ભારતને શેર કરી નથી. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તે સ્પષ્ટ કરે કે કરતારપુરસાહિબ જનારા શ્રદ્ધાળુઓને પાસપોર્ટ રાખવાની જરૂરિયાત છે કે નહીં. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું હતું કે શ્રદ્ધાળુઓને કરતારપુર આવવા માટે પાસપોર્ટની જરૂરિયાત નહીં રહે. જોકે કરારમાં પાસપોર્ટ રાખવાની અનિવાર્યતા પર સહમતિ થઇ હતી.

