શું તમારી ચાર ચોરાઈ છે, તો તમારે આ જાણવું જોઇએ, ક્લિક કરો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મહારાષ્ટ્રમાં થાણેથી ચોરાયેલી મહિન્દ્રા બોલેરો પિકઅપમાં લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમને કારણે કાર ચોરનારી ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે નવ જણની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાયેલા 105 ગુના ઉકેલી પોલીસે 80 કાર જપ્ત કરી હતી, જેની આરસી બૂક નાગાલૅન્ડમાં તૈયાર કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર થાણે પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ વિનીત માધીવાલ, સંદીપ લાગુ, સાદીક મુલ્લા, અલ્તાબ ગોકાક, માંગીલાલ નાગૌર, રામપ્રસાદ નાગૌર, જાવેદ ઉર્ફે બબલુ ખાન, અલ્તાબ કુરેશી અને મોહમ્મદ યુસુફ ખાન તરીકે થઈ હતી. પકડાયેલા આરોપીઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વતની હોવાનું પોલીસનું કહેવું છે. આરોપીઓ 14 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડીમાં હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ થાણેની વૃંદાવન સોસાયટીમાં રહેતા ઉદ્ધવ સાઠેની બોલેરો પિકઅપ કાર 10 ડિસેમ્બર, 2018ના રોજ ચોરાઈ હતી. આ મામલે રાબોડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તાજેતરના ગાળામાં થાણે અને આસપાસના વિસ્તારોમાંથી કારચોરીની ફરિયાદો ઉપરાછાપરી આવતાં થાણે પોલીસના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કારચોરોને પકડવા માટે પોલીસ અધિકારીઓની પાંચ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમમાં થાણે શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓનો સમાવેશ કરાયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર સાઠેની કારની તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ હાથ લાગ્યાં હતાં. એ સિવાય તેની કારમાં જીપીએસ સિસ્ટમ હોવાથી તેને ટ્રેસ કરી પોલીસની ટીમ પુણે પહોંચી હતી. પુણેમાં ખેડૂતના ગોદામમાંથી સાઠેની કાર સહિત અન્ય કારો પણ મળી આવી હતી. ખેડૂતની પૂછપરછમાં આરોપી વિનીત અને સંદીપનાં નામ સામે આવ્યાં હતાં. બન્નેની ધરપકડ બાદ કરાયેલી પૂછપરછને પગલે અન્ય આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં કાર ચોરનારા, ચોરીના વાહન ખરીદનારા, એન્જિન અને ચેસીસ નંબરમાં ફેરફાર કરનારા, નાગાલૅન્ડમાંથી આરસી બૂક બનાવડાવનારા તેમ જ એજન્ટોનો સમાવેશ હોવાનું પોલીસે જણાવ્યું હતું. 170 જેટલા કેસ સંદર્ભે આરોપીઓની પૂછપરછ કરવામાં આવતાં 105 ગુના ઉકેલાયા હતા, જેમાં ગુજરાતમાં નોંધાયેલા ચાર ગુનાનો સમાવેશ થાય છે. એ સિવાય મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, રાયગડ, નાશિક અને અહમદનગરમાં પોલીસમાં નોંધાયેલા ગુના પણ ઉકેલવામાં સફળતા મળી હતી. આરોપીઓની પૂછપરછમાં 80 વાહન જપ્ત કરવામાં આવ્યાં હોઈ તેમાંથી 69 કાર તો એક જ મોડેલની હોવાનું જણાયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર આ ટોળકી વાહન ચોરીને પુણેના ગોદામમાં લઈ જતી હતી. આ ગોદામમાં વાહનના એન્જિન અને ચેસીસ નંબર બદલવામાં આવતા, જેને આધારે આરસી બૂક તૈયાર કરવામાં આવતી. ત્યાર બાદ કાર કર્ણાટક અને રાજસ્થાનમાં વેચવામાં આવતી.