મુંબઈ ખાતે વિરાર વિસ્તારમાં આવેલા અને ગુજરાતી સમુદાયના જાણીતા વાગડ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ પ્રકરણે ન્યાયની માગ કરતા વાગડ સમાજનું પ્રતિનિધિમંડળ ગુરુવારે રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન રણજિત પાટીલને મળ્યું હતું. પોતાના વ્હાલસોયા ત્રણ નિર્દોષ બાળકોને ચાર-ચાર વર્ષથી ન્યાય ન મળ્યો હોવાની ફરિયાદ તેમને કરી હતી અને આવેદન પત્ર પણ આપ્યું હતું. મંત્રી પાટીલે તેમને શાંતિથી સાંભળ્યા હતા અને કાનૂની અભિપ્રાય લઈ કેસને રિ-ઈન્વેસ્ટિગેટ કઈ રીતે કરી શકાય તેની માહિતી મેળવી યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપી હતી.
આ અંગે વધુ માહિતી આપતા વાગડ સમાજના અગ્રણી લક્ષ્મીચંદ ચરલાએ માધ્યમોને જણાવ્યું હતું કે મંત્રી પાટીલે અમને ખાતરી આપી છે કે તેઓ કેસની ફરી તપાસ કરી અમને ન્યાય અપાવશે. જોકે આ ઘટના બન્યા બાદ સમાજના અગ્રણીઓ રાજ્યપાલ, મુખ્ય પ્રધાનને પણ મળ્યા હતા અને ત્યારે તેમણે પણ ઘટતું કરવાની ખાતરી આપી હતી, પરંતુ તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. જોકે આ બાબતે પાટીલે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો. ફડણવીસ મુંબઈમાં ન હોવાથી પ્રતિનિધિમંડળ પાટીલને મળ્યું હતું. તેમની સાથે ભાજપના વિધાનસભ્ય રાજ પુરોહિત પણ હાજર હતા. ચરલાના જણાવ્યા અનુસાર પુરોહિતે તેમને ખાતરી આપી હતી કે બે મહિનામાં યોગ્ય કાર્યવાહી શરૂ નહીં થાય તો તેઓ પણ ઉપવાસ આંદોલનમાં વાગડ સમાજ સાથે જોડાશે. ઑગસ્ટ 2014માં વિરાર પાસેના સકવાર ગામમાં વાગડ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થી અહીં પાછળના ભાગમાં આવેલી નદીમાં મૃત હાલતમાં મળ્યા હતા. તેમની કથિત હત્યા પાછળ જવાબદારને સજા આપવાની માગ સાથે વાલીઓ સહિત સમાજના સભ્યોએ આઝાદ મેદાન ખાતે ઉપવાસ આંદોલન કર્યું હતું.