ATM, DTH સેવાને વેગ આપતો ઉપગ્રહ તરતો મુકાયો

દેશ-વિદેશ

સંદેશવ્યવહાર માટેનો ભારતનો અત્યાધુનિક કૃત્રિમ ઉપગ્રહ જીસૅટ-31 બુધવારે યુરોપિયન રૉકેટની મદદથી ફ્રૅન્ચ ગુયાનાથી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં તરતો મુકાયો હતો. આ ઉપગ્રહ એટીએમની કનેક્ટિવિટી વધારશે અને કોઈપણ પ્રકારના અવરોધ વિનાની ડીટીએચ સેવા પૂરી પાડવામાં મદદરૂપ થશે. પશ્ર્ચિમ અમેરિકાના ઇશાન દરિયાકિનારે આવેલા ફ્રૅન્ચ ક્ષેત્ર કૉરોઉસ્થિત ઍરેના લૉન્ચ કૉમ્પલેક્સ ખાતેથી ભારતીય સમય પ્રમાણે 2:31 વાગ્યે આ કૃત્રિમ ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઇસરો) દ્વારા તૈયાર કરવામાં આવેલો 2536 કિલો વજન અને પંદર વર્ષની આવરદા ધરાવતો જીસૅટ-31 દેશનો 40મો સંદેશવ્યવહાર ઉપગ્રહ છે. જીસૅટ-31 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં તરતો મુકાયો એ બદલ ઈસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટર (એસડીએસસી)ના ડિરેક્ટર એસ. પાંડિયને આનંદ વ્યક્ત કર્યો હતો. જીસૅટ-31ને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં તરતો મૂકવા બદલ તેમણે સંબંધિત તમામ લોકોનો આભાર માન્યો હતો અને તેમને અભિનંદન આપ્યા હતા. જીસૅટ-31 હાઈ પાવર કમ્યુનિકેશન સૅટેલાઈટ છે અને તે જે સૅટેલાઈટની આવરદા પૂરી થવામાં છે તેનું સ્થાન લેશે, એમ તેમણે કહ્યું હતું. file Pic