પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ફરી એકવાર કહ્યું કે, તેમની સરકાર દેશમાં અલ્પસંખ્યકોના અધિકારોનું સંરક્ષણ કરશે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, અલ્પસંખ્યકો સંબંધિત એક કાર્યક્રમમાં સોમવારે ઈમરાને કહ્યું કે, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોને સુરક્ષા આપવામાં આવશે અને તેમના ધર્મસ્થળોની દેખરેખ પણ કરાશે.
ઈમરાને કહ્યું કે, હિન્દુ મંદિરો અને શીખ ગુરુદ્વારાનો જીણોદ્વાર કરવામાં આવશે અને તેમનું સંરક્ષણ પણ કરાશે. ઈમરાન ખાને ચરમપંથીઓનો વિરોધ કરતાં કહ્યું કે, ઈસ્લામ અલ્પસંખ્યકોના જબરદસ્તી ધર્મપરિવર્તનની મંજૂરી આપતું નથી. તેમણે કહ્યું કે, આ કટ્ટરપંથીઓની માનસિકતા બદલવાની જરૂર છે. ઈસ્લામ શાંતિનો ધર્મ છે. જે લોકો તાકાતના દમ પર બીજાને ધર્મ બદલવા મજબૂર કરે છે તે ઈસ્લામન જાણતાં નથી.
ઈમરાને કહ્યું કે, બધાને ખબર છે કે, લોકોએ ઈસ્લામના નામે દુકાનો ખોલી રાખી છે. સાંભળ્યું છે કે, સિંધમાં લોકોને જબરદસ્તી મુસ્લિમ બનાવવાની ઘટનાઓ બને છે. લોકોને જબરદસ્તી મુસલમાન બનાવનાર ઈસ્લામને જાણતા નથી. આપણે કેવી રીતે કોઈને જબરદસ્તી મુસ્લિમ બનાવવાનો મામલો આપણા હાથમાં લઈ શકીએ છીએ?

