IT રિટર્ન માટે PAN આધાર સાથે લિંક કરવું ફરજિયાત: સુપ્રીમ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પૅન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. ન્યાયમૂર્તિ એ. કે. સિક્રી અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝિરની બેન્ચે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ 139એએ માન્ય રાખી છે. શ્રેયા સેન અને જયશ્રી સાતપૂતે નામની બે વ્યક્તિઓને દિલ્હી હાઇ કોર્ટે તેમના 2018-19નું આવક વેરાનું રિટર્ન આધાર અને પાન નંબરને લિંક કર્યા વિના ફાઇલ કરવાની મંજૂરી આપવાના વિરોધમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી અરજી અંગે સુપ્રીમે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. ઉપરોક્ત કેસમાં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે બંને વ્યક્તિએ હાઇ કોર્ટના આદેશ મુજબ તેમનું 2018-19નું રિટર્ન ફાઇલ કરી દીધું હતું અને એસેસમેન્ટ પણ પતી ગયું હતું. આથી સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી હતી કે 2019-20ના એસેસમેન્ટ વર્ષ માટેનું આવકવેરાનું રિટર્ન સુપ્રીમના આદેશ મુજબ ફાઇલ કરવામાં આવે અને પાન કાર્ડ સાથે આધાર કાર્ડને પણ લિંક કરવામાં આવે. ગયા વર્ષના 26 સપ્ટેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું હતું કે કેન્દ્ર સરકારની આધાર યોજના બંધારણીય રીતે માન્ય છે પરંતુ, કોર્ટે આધાર કાર્ડને બૅંક એકાઉન્ટ સાથે, મોબાઇલ ફોન સાથે અને સ્કૂલના એડમિશન સાથે લિંક કરવા જેવી કેટલીક જોગવાઇઓને રદ કરી હતી. પાંચ જજોની બનેલી બંધારણીય બેન્ચે તેમના ચૂકાદામાં જણાવ્યું હતું કે આઇટી રિટર્ન ફાઇલ કરવા માટે અને પાન (પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર) મેળવવા માટે આધાર ફરજિયાત રહેશે પરંતુ બૅંક તથા મોબાઇલ ફોન માટે આધાર ફરજિયાત નથી.