પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે કૉંગ્રેસનાં મહામંત્રી તરીકેનાં હોદ્દાનો હવાલો સંભાળી લીધો હતો અને હવે તે પૂર્વ ઉત્તર પ્રદેશમાં પક્ષની બાબતોનું સુકાન સંભાળશે. મનીલૉન્ડરિંગ અંગેના કેસને મામલે પતિ રૉબર્ટ વાડ્રાને પૂછપરછ માટે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)નાં કાર્યાલયે મૂક્યા બાદ પ્રિયંકા અકબર રોડસ્થિત પક્ષના વડામથકે આવી પહોંચ્યાં હતાં. પક્ષના કાર્યાલય ખાતે 15 મિનિટના રોકાણ દરમિયાન ત્યાં એકઠી થયેલી જનમેદનીને કાબૂમાં રાખવા સુરક્ષા અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એઆઇસીસીના વડામથકે ભારે ઉત્સાહભર્યું અને વિદ્યુતમય વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકારણમાં પ્રિયંકાનો સત્તાવાર પ્રવેશ લોકસભાની 80 બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે. કૉંગ્રેસના વડામથકે પહોંચ્યાનાં તુરંત બાદ પ્રિયંકાએ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે અહીં આવીને હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી છું.
