ઉદ્ધવ મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ 30 ડિસેમ્બરે, અજિત પવાર ઉપમુખ્યમંત્રી બને તેવી શક્યતા: રિપોર્ટ

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારનું પહેલું મંત્રીમંડળનું વિસ્તરણ 30 ડિસેમ્બરે થવાની શક્યતા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, એક એનસીપી નેતાએ જણાવ્યું કે, આ મંત્રીમંડળના વિસ્તરણમાં અજીત પવાર રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. 29 નવેમ્બરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના 2-2 નેતાઓએ શપથ લીધા હતા. અંદાજે 15 દિવસ પછી મંત્રીઓને ખાતાની વહેંચણી કરવામાં આવી હતી. હવે માનવામાં આવે છે કે, એક મહિના પછી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે.

શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત પછી ચર્ચા શરૂ થઈ
મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે સાંજે સહ્યાદી અતિથિ ગૃહમાં અંદાજે એક કલાક સુધી બેઠક કરી હતી. એનસીપી સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં સહયોગી પાર્ટી કોંગ્રેસના કોઈ નેતા હાજર નહતા. જોકે એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં શિવસેના નેતા અને ગૃહમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે, મુખ્યમંત્રી, મંત્રીવિસ્તરણ વિશે ઓફિશિયલ માહિતી આપવામાં આવશે.

પવારે કહ્યું હતું- શપથ માટે બોલાવે તેની રાહ જોઈએ છીએ
આ પહેલાં એનસીપી અધ્યક્ષ શરદ પવારે પત્રકારોને કહ્યું હતું કે, અમે પણ તે સમયની રાહ જોઈએ છીએ જ્યારે અમારા સહયોગીઓ શપથ માટે આમંત્રણ આપે. એનસીપીના મંત્રીઓના યાદી તૈયાર કરવાના સવાલ વિશે પવારે કહ્યું હતું કે, પાર્ટી કોઈ પણ વસ્તુને અંતિમ સ્વરૂપ આપવામાં વધારે સમય નથી લેતી.

બે વાર ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે અજીત પવાર
અજીત પવાર બે વાર પૃથ્વીરાજ ચૌહાણના શાસનમાં ઉપ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા હતા. જોકે સાડા ત્રણ દિવસના કાર્યકાળમાં તેમણે પદભાર ગ્રહણ નહતો કર્યો. ત્યારપછી થયેલી રાજકીય ખેંચતાણના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.