મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી અમારો હશે, બહુમતી મેળવી લઈશુંઃ શિવસેના

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મુખ્યમંત્રીની ખુરશીને લઈને બીજેપી અને શિવસેના વચ્ચે વચ્ચે ખેંચતાણ ચાલું છે. એવામાં શિવસેનાએ દાવો કર્યો છે કે, રાજયમાં પોતાની પાર્ટીનો જ મુખ્યમંત્રી હશે અને સરકાર રચવા માટે જરુરી બહુમતી મેળવી લઈશું.

શિવસેનાના નેતા સંજય રાઉતના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે શિવસેનાના નેતા સંજય રાઉતે ગત સાંજે એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. શિવસેના ઈચ્છે છે કે ભાજપ અમને મુખ્યમંત્રી માટે નિર્ધારિત ફોર્મ્યુલા મુજબ અઢી વર્ષ આપે. પરંતુ ભાજપને આ મંજૂર નથી.
આ પહેલા સંજય રાઉતે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અહંકારી પાર્ટી છે.

સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી શિવસેનાનો હોવાનો દાવો કર્યો છે, જેના કારણે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે શું શિવસેના, એનસીપી અને કોંગ્રેસ જેવી વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે મળીને સરકાર રચી શકશે ?

અત્રે ઉલ્લેખનીય છે કે, આંકડા પર નજર કરીએ તો શિવસેના એનસીપીના સહયોગથી સરકાર રચી શકે તેમ નથી, પરંતુ આ માટે એનસીપી ઉપરાંત કોંગ્રેસના સાથની જરુરત પડશે. કોંગ્રેસ પરિસ્થિતિ પર નજર રાખીને બેઠી છે.