ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા ‘બાહુબલી’ નામના જીએસએલવી માર્ક-3 રોકેટનું રિહર્સલ સંપન્ન થયું છે અને આ સાથે ઈસરોએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે લાખો સપના ચંદ્ર પર જશે, ચંદ્રયાન-2 આજે લોન્ચ થશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે, સોમવારે બપોરે 2.43 વાગ્યે ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવશે. અગાઉ 15 જુલાઈએ જ ચંદ્રયાન-2 લોન્ચ થવાનું હતું પરંતુ અંતિમ પળોમાં ટેકનીકલ ખામી સામે આવી હતી અને લોન્ચ મુલતવી રાખવામાં આવ્યું હતું. ઈસરોનાં પૂર્વ પ્રમુખ એ. એસ. કિરણકુમારે કહ્યું હતું કે પરીક્ષણ દરમિયાન અમે એક ક્ષતિ શોધી હતી, જે હવે દૂર થઈ ગઈ છે. હવે આપણે ચંદ્ર પર જવા તૈયાર છીએ.
ચંદ્રયાન-2 માટે રવિવારે સાંજે6.43 વાગ્યાથી કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ સ્પેસયાન આવનારા દિવસોમાં આકરા પડકારોનો સામનો કરશે. વાસ્તવમાં, ચંદ્રયાન-2 ટેકનોલોજીમાં ભારતની આગામી છલાંગ છે, કારણ કે 978 કરોડનાં આ મૂન મિશનમાં ઈસરો ચંદ્રયાન-2ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરાવવા પ્રયાસ કરશે. સોફ્ટ લેન્ડિંગ અત્યંત જટિલ હોય છે. લેન્ડિંગ વખતે તે લગભગ 15 મિનિટ સુધી જોખમનો સામનો કરશે. તેમાં કુલ 13 પેલોડ છે. તેમાં પાંચ ભારતના, ત્રણ યુરોપના, બે અમેરિકાના અને એક બલ્ગેરિયાનું છે. જેમાંથી આઠ પેલોડ ઓર્બિટરમાં, 3 લેન્ડર વિક્રમમાં અને બે રોવર પ્રજ્ઞાનમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે ધરતીથી ચંદ્રનું અંતર લગભગ 3744 લાખ કિમી છે, તેથી કોઈપણ સંદેશો પૃથ્વીથી ચંદ્ર પર પહોંચતા થોડી મિનિટો લાગશે. એટલું જ નહીં સોલાર રેડિએશનની અસર પણ ચંદ્રયાન-2 પર પડી શકે છે. સિગ્નલ નબળા પડી શકે છે.
ચેન્નઈથી 100 કિમી દૂર સતીષ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચપેડ પરથી ચંદ્રયાન-2 સોમવારે બપોરે 2.43 વાગ્યે રવાના થશે.