યુએસ સહિત વિશ્વના શેરબજાર ઘટ્યા, અંબાણી સહિત 500 અમીરોની નેટવર્થ 8 લાખ કરોડ રૂપિયા ઘટી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

યુએસ-ચીનની વચ્ચે ટ્રેડ વોર વધવાને કારણે અમેરિકા સહિત વિશ્વભરના શેરબજારમાં સોમવારે મોટો ઘટાડો આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિનિયર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, આ ઘટાડાથી વિશ્વના 500 અમીરોની કુલ નેટવર્થ 117 અબજ ડોલર(8.19 લાખ કરોડ રૂપિયા) ઘટી છે. મુકેશ અંબાણીને 2.4 અબજ ડોલર(16,800 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. એમેઝોનના સીઈઓ જેફ બેજોસે સૌથી વધુ 24010 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. છતા પણ તે 110 અબજ ડોલર(7.70 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થની સાથે વિશ્વના સૌથી મોટા અમીર છે.

બિલિનિયર ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી 18માં નંબર પર

બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સમાં સામેલ 21 અબજપતિઓના શેરની વેલ્યુમાં સોમવારે 1 અબજ ડોલરથી 3.4 અબજ ડોલર સુધીનો ઘટાડો આવ્યો છે. બિલેનિયર ઈન્ડેક્સ રોજ અમેરિકાનું શેરબજાર બંધ થયા બાદ વિશ્વના 500 અબજોપતિઓની નેટવર્થ અપડેટ કરે છે. આ ઈન્ડેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 18માં નંબરે છે. તેમની હાલની નેટવર્થ 44.8 અબજ ડોલર(3.14 લાખ કરોડ રૂપિયા) છે. તે એશિયાના સૌથી મોટા અમીર છે.

અમેરિકા-ચીનનો વિવાદ ઝડપથી પતે તેવી કોઈ શકયતા નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે કહ્યું હતું કે 300 અબજ ડોલર ચાઈનીસ ઈમ્પોર્ટ પર 1 સપ્ટેમ્બરથી 10 ટકા મુલ્ય લાગશે. સોમવારે વિશ્વભરના શેરબજારો પર તેની અસર થઈ. અમેરિકા-ચીનની વચ્ચે ગત માર્ચથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. જોકે વિવાદની પતાવટ માટે ડીલ પણ ચાલુ છે પરંતુ ટ્રમ્પનું કહેવું છે કે ચીન તેજી બતાવી રહ્યું નથી. એવામાં ઝડપથી કોઈ ડીલ થવાની શકયતા ઘણી ઓછી છે.