ઐતિહાસિક બિલ પાસ થતા જ પીએમ મોદીએ ભરી સંસદમાં અમિત શાહની થાબડી પીઠ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરનાં પુન:ગઠનનું બિલ પાસ થવા અને આર્ટિકલ 370 પર ચર્ચા બાદ પીએમ નરેન્દ્ર મોદી સદનમાં અમિત શાહને શાબાશી આપતા જોવા મળ્યા. સદનની કાર્યવાહી સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ અમિત શાહની પીઠ થપથપાવી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષનાં તમામ સાંસદોની નજરો બંને નેતાઓ પર હતી. અમિત શાહ એક રીતે ‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા છે. એટલા સુધી કે રાજ્યસભાનાં કર્મચારી પણ પાછળ ફરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહને કુતૂહલ ભરેલી નજરોથી જોઇ રહ્યા હતા.

અમિત શાહે પીએમ મોદીને કર્યા નમસ્કાર

સદનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અમિત શાહ ઉભા થયા અને પીએમ નરેન્દ્ર મોદીને હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. આના પર પીએમ મોદીએ તેમની પીઠ થપથપાવી હતી. કાર્યવાહી સમાપ્ત થતા જ કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર, જિતેન્દ્ર સિંહ સહિત તમામ નેતાઓએ અમિત શાહને મળીને તેમને અભિનંદન આપ્યા હતા. જણાવી દઇએ કે સવારે સદનની કાર્યવાહી શરૂ થતા જ ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા અને રાજ્યનાં પુન:ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ ઉપરાંત સામાન્ય વર્ગનાં ગરીબોને જમ્મુ-કાશ્મીરમાં 10 ટકા આરક્ષણ આપવાનું બિલ પણ રજૂ કર્યું હતુ. રાજ્યનાં પુન:ગઠન અને આરક્ષણનાં બિલને ઉપલા ગૃહમાં મંજૂરી મળી ગઇ છે.

રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષર બાદ બિલ લાગુ પડશે

હવે બંને બિલોને લોકસભામાં પાસ કરાવવાનાં રહેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષર બાદ આ લાગૂ થશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાનાં નિર્ણયને લઇને કૉંગ્રેસ અને કેટલાક અન્ય વિરોધી દળોએ વિરોધ કર્યો હતો.