મહારાષ્ટ્રના જલગાંવમાં રવિવારે મોડી રાત્રે ટ્રક અને જીપની ટક્કરમાં 10 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાંથી સાત લોકો એક જ પરિવારના સભ્યો હતા. મોતને ભેટનાર તમામ લોકો એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂર ઝડપે આવેલી એક ટ્રકે જીપને ભીષણ ટક્કર મારી હતી.
આ દુર્ઘટના યાવલ તહસીલના હિંગોલા ગામ પાસે ઘટી હતી. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ધોરણે જલગાંવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે ચિનચોલ ગામમાં રહેતા બાલૂ નારાયણ ચૌધરી અને મેહુલ ગામનો મહાજન પરિવાર એક સાથે 400 કિલોમીટર દૂર આવેલા એક લગ્ન પ્રસંગમાં ચોપડા ગામમાં ગયા હતા.
લગ્નના પ્રસંગમાં હાજરી આપીને તમામ 17 લોકો એક એસયૂવી કારમાં સવાર થઈને રાત્રે 11 વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચોપડા-ફૈજપુર રોડ પર આ દુર્ઘટના ઘટી હત. ટક્કર એટલી ભયાનક હતી કે અથડામણમાં જીપના કુચ્ચે-કુચ્ચા ઉડી ગયા હતા અને તેમા સવાર 10 લોકો ઘટના સ્થળ પર જ મોતને ભેટ્યા હતા જ્યારે સાત લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.

