શાહીન બાગ સંયોગ નથી પ્રયોગ છે, રાષ્ટ્રીય સૌહાર્દને નુકસાન કરવાનું ષડયંત્ર: પીએમ મોદી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી દિલ્હી ખાતે પહેલી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા.  કેન્દ્ર દ્વારા દિલ્હીના વિકાસ કાર્યો વિશે માહિતી આપતા વડાપ્રધાને શાહીન બાગ મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે સીલમપુર, જામિયા અને પાછળથી શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને ષડયંત્ર દર્શાવતા કહ્યું કે દિલ્હીને આ અરાજકતામાં ન છોડી શકાય, નહીં તો ભવિષ્યમાં ફરીવાર રસ્તાઓ બંધ કરવામાં આવશે.

શાહીન બાગ પર પીએમ મોદીએ કહ્યું કે આ પ્રદર્શન સંયોગ નથી પરંતુ એક પ્રયોગ છે. જેની પાછળ રાષ્ટ્રના સૌહાર્દને ખંડિત કરવાનો રાજકીય હેતૂ રહેલો છે. એક કાયદા વિરુદ્ધનું પ્રદર્શન હોતું તો સરકારના આશ્વાસન પછી તે બંધ થઇ જતા, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ રાજનીતિ ખેલ ખેલી રહી છે. જે હવે સામે આવી રહી છે. બંધારણ અને તિરંગાને સામે રાખીને જ્ઞાન વહેંચવામાં આવી રહ્યું છે અને અસલી ખેલથી ધ્યાન ભટકાવી રહ્યા છે.

આ દરમિયાન પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માંગવાના વિવાદનું વર્ણન કરતા કહ્યું કે, સેનાની કાર્યવાહી પર તેમણે શક વ્યક્ત કરી સેનાનું અપમાન કર્યું હતું. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે 11 ફેબ્રુઆરી પછી દિલ્હીમાં બીજેપી સરકાર બનશે અને વિકાસ ઝડપી બનશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં વડાપ્રધાન આવાસ યોજના લાગૂ ન કરાઇ, આયુષ્માન ભારતને લાગૂ ન કરાઇ કારણ કે કેજરીવાલ સરકાર નથી ઇચ્છતી કે ગરીબોને ઘર મળે, તેમને મફતમાં સારવાર મળે.

તેમણે જણાવ્યું કે અમારા દેશ સૌથી ઉપર છે. દેશ માટે લીધેવા સંકલ્પો પૂરા કરવા માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. દેશ સામે વર્ષો જૂની સમસ્યાઓને હટાવી રહ્યા છીએ. દિલ્હી ગેરકાયદેસર કોલોની મોટી સમસ્યા હતા, આઝાદી પછીથી આ મામલો લટક્યો હતો. પરંતુ દિલ્હીના 40 લાખ લોકોથી વધારે લોકો માટે સૌથી મોટી ચિંતાને અમારી સરકારે દૂર કરી છે.

પીએમ મોદીએ જણાવ્યું કે 21મી સદીનું ભારત નફરતથી નહી વિકાસની રાષ્ટ્રનીતિ પર ચાલશે અને આ નીતિ દેશને નવી ઊંચાઇએ લઇ જશે. આ સિવાય પીએમ મોદીએ તેમના સંબોધનમાં આર્ટીકલ 370 હટાવ્યાના સરકારના નિર્ણય, પાકિસ્તાનમાં કરતારપૂર કોરિડોરની શરુઆત, બાંગ્લાદેશ સાથે જમીન વિવાદનો અંત, રામજન્મભૂમિ વિવાદનો અંત વગેરે જેવા મુદ્દાઓ પર ગત સરકાર પર આકરા પ્રહારો કરતા તેમની સરકારની યોજનાઓનું વર્ણન કર્યું હતું.