લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદથી જ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત પર અડગ છે. આવામાં નવા અધ્યક્ષ કોણ બનશે તે વાત હજુ સુધી અકબંધ જ છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે વિકલ્પ રૂપે કેટલાક નેતાઓના નામ અંગે ચર્ચા થઇ રહી છે પરંતુ અંતિમ રૂપે હજુ સુધી કોઇપણ નામ સામે આવ્યું નથી.
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, અશોક ગહલોત અને સુશીલ કુમાર શિંદેના નામની ચર્ચા થઇ રહી છે. આ નેતાઓ પાસે અનુભવ છે અને તેઓ લાંબા સમયથી ગાંધી પરિવાર પ્રતિ વફાદાર રહ્યા છે આ મુખ્ય કારણ છે. અન્ય એક પ્રસ્તાવ મુજબ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મનમોહન સિંહનું નામ પણ સામે આવી રહ્યું છે. મનમોહન સિંહ બાદ પ્રિયંકા ગાંધીનું નામ છે. કેટલાક સમર્થકો ઇચ્છે છે કે પ્રિયંકા ગાંધી જ પાર્ટીની કમાન સંભાળે. એક વિકલ્પ એ પણ છે કે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બની જાય.
આ દરમિયાન એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગાંધી પરિવારના નજીકની વ્યક્તિઓ પાર્ટી છોડી શકે છે. અધીર રંજન ચૌધરીને લોકસભામાં પાર્ટીના નેતાના રૂપે નિમણૂક અંગે સારી પ્રતિક્રિયા મળી નથી. આ જ કારણ છે કે લોકસભામાં અત્યાર સુધી પાર્ટીના નાયબ નેતાની ચંટણી નથી યોજાઇ.