પશ્ચિમ રેલવેમાં તા.૧ માર્ચથી શતાબ્દી એક્સપ્રેસમાં ‘ શોપિંગ ઓન બોર્ડ ‘ની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે ચાલે છે. મુસાફરી દરમિયાન મુસાફરો ખરીદી આનંદ મેળવી શકે અને હવાઇ સેવામાં જ મળતી આ સુવિધા હવે ટ્રેનોમાં પણ મળી રહે તે હેતુથી આ સેવા શરુ કરાઈ છે.
રેલ્વે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આજે પ્રથમ દિવસે ટ્રેનમાં મહિલાઓના સૌદર્ય પ્રસાધનો અને બાળકોના રમકડાઓનું સૌથી વધુ વેચાણ થઇ રહ્યું છે.
આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેની ૧૬ મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં આ સેવા શરૂ થનાર છે. પ્રથમ તબક્કામાં આજે શુક્રવારે મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદમાં તે શરૂ કરાઇ છે. હવે તા.૨ માર્ચે બાન્દ્રા ટર્મિનસ-જમ્મુતવી વિવેક એક્સપ્રેસમાં આ સેવા શરૂ કરાશે.
૩.૬૬ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને પાંચ વર્ષ માટે અપાયો છ. જે ટ્રેનોમાં વસ્તુઓનું વેચાણ કરશે. આ નવા પ્રયોગથી મુસાફરોને મુસાફરી દરમિયાન જ મનપસંદ વસ્તુઓની ખરીદી કરવાનો વિકલ્પ મળી રહેશે. જેના થકી રેલવેની આવક વધવાની સાથે મુસાફરોને પણ સુવિધા મળી રહેશે.
યાત્રા દરમિયાન મુસાફરોને બિનજરૂરી હેરાનગતિ ન થાય, તેમજ વસ્તુઓના વેચાણ માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમથી કોઇ તકલીફ ન થાય તેની પુરેપુરી કાળજી રખાઇ હોવાનો દાવો રેલવેના અધિકારીઓ કરી રહ્યા છે.