ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્નની કામના કરતા એવી શુભેચ્છાઓ આપી દીધી કે તેમના ઘરમાં કિલકારી ગૂંજે. વાઘાણીએ સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસને માત્ર ભ્રષ્ટાચારમાં રૂચિ છે. વિકાસમાં નહીં.
ગુજરાતમાં એક ચૂંટણી સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્ન થાય અને તેમના ઘરમાં કિલકારી ગૂંજે એવી ઈચ્છા તેઓ રાખે છે. વાઘાણીએ ભાવનગરમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે કોઈ પણ મહાસત્તા સામે બે પડકારો હોય છે આતંકવાદ અને પ્રદૂષણ. વડાપ્રધાન મોદીએ આ બંનેને સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો છે.
કોંગ્રેસને આડે હાથ લેતા વાઘાણીએ કહ્યું કે જે લોકોને સેનાના શૌર્ય પર ભરોસો ન હોય, પાકિસ્તાનની ભાષા બોલતા હોય તેમને ઓળખવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજમાં ગરીબોના હાથમાંથી કોળિયા છીનવાઈ ગયો, કોંગ્રેસને માત્ર ભ્રષ્ટાચારમાં જ રસ છે વિકાસમાં નહીં. વાઘાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે તેમની સરકારમાં થયેલા રક્ષા સોદાઓ શંકાના દાયરામાં છે.