કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. રવિવારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાને જાહેર કરતા દિલ્હીવાસીઓને વચન આપ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવામાં આવશે. તેમજ 20 હજાર લિટરથી ઓછા પાણીના વપરાશ પર પ્રતિ લિટરે 30 પૈસા કેશબેક આપવાનું વચન પણ કોંગ્રેસે આપ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે જણાવ્યું છે કે, દિલ્હીમાં તે સત્તામાં આવે છે તો નેશનલ પોપ્યૂલેશન રજીસ્ટર (એનપીઆર) અને નેશનલ રજીસ્ટર ફોર સિટિઝન્સ (એનઆરસી) લાગુ નહીં કરવામાં આવે.
દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપરા, અજય માકન અને આનંદ શર્માએ કોંગ્રેસનો મેનિફેસ્ટ રજૂ કર્યો હતો. આ ઢંઢેરામાં ટ્રાન્જેન્ડર્સને શિલા પેન્શન યોજના હેઠળ મહિને રૂ. 5,000 ભથ્થું આપવાનું વચન અપાયું છે. કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ‘આવી હશે આપણી દિલ્હી’ ટેગલાઈન સાથે રજૂ કરી છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કર્ણાટકની ઈન્દિરા કેન્ટિનની માફક 100 ઈન્દિરા કેન્ટિન શરૂ કરવાનું પણ વચન છે. કોંગ્રેસે દિલ્હીની પ્રજાને વચન આપ્યું છે કે જે લોકોની નોકરી ગઈ છે તેમને સત્તામાં આવ્યા બાદ રૂ. 5000 સુધી છટણી વળતર અપાશે.
વીજળી, યુવા, શિક્ષણ અને બેરોજગારો પર ફોકસ
કોંગ્રેસે મેનિફેસ્ટોમાં મફત વીજળી, યુવા, શિક્ષણ તેમજ બેરોજગારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગ્રેસે કહ્યું કે જો તે સત્તામાં આવે છે તો દિલ્હીમાં 300 યુનિટ મફત વીજળી અપાશે. તેમજ 300-500 યુનિટ પર 50 ટકા, 400-500 યુનિટ વપરાશ પર 30 ટકા અને 500-600 યુનિટ વપરાશ પર 25 ટકા છૂટ અપાશે.
દરમિયાન યુવાઓને લઈને યુવા સ્વાભિમાન યોજના લાગુ કરવાનું વચન કોંગ્રેસ ઢંઢેરામાં આપ્યું છે. કોંગ્રેસે ગ્રેજ્યુએટ યુવાનોને રૂ. 5 હજાર તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટને રૂ. 7 હજારનું બેરોજગારી ભથ્થું આપવાનો વાયદો કર્યો છે.
બીપીએલ પરિવારના એક સભ્યને સ્ટાર્ટઅપ માટે 25 લાખ રૂપિયાનું ફંડ આપવાનું વચન કરાયું છે. આ ઉપરાંત દિલ્હીની સૌથી મોટી સમસ્યા પ્રદૂષણ હોવાથી કોંગ્રેસે જણાવ્યું છે કે તે સત્તામાં આવશે તો કુલ બજેટના 25 ટકા રકમ પ્રદૂષણ નિયંત્રણ પાછળ ખર્ચ કરશે. તેમજ લોકપાલ બિલ લાવવા અને રિસર્ચ ફંડ સ્થાપવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપ્યું છે.