GSKએ જેનટેક ટેબલેટ બજારમાંથી હટાવવાનો નિર્ણય કર્યો, તેમાં કેન્સરના તત્વ હોવાનો રિપોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ગ્લેક્સોસ્મિથક્લાઈન(GSK) ફાર્માએ ભારત સહિત વિશ્વના બજારોમાંથી રેનિટિડાઈન હાઈડ્રોક્લોરાઈડ(જેનટેક) ટેબલેટને પરત લેવાની જાહેરાત બુધવારે કરી છે. આ દવાનો ઉપયોગ એસિડિટી માટે થાય છે. અમેરિકામાં ડ્રગ રેગ્યુલેટરની તપાસમાં કેટલીક કંપનીઓની રેનિટિડીન દવાઓમાં કેન્સર પેદા કરનારા તત્વો મળ્યાના રિપોર્ટના કારણે GSKએ સાવચેતીના પગલા તરીકે તેને બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે.

રેનિટિડીન એસિડિટી માટે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ થનારી દવા

અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર USFDAનું કહેવું છે કે રેનિટિડીન દવાનું અલગ-અલગ કંપનીઓ વિવિધ પ્રકારના બ્રાન્ડ નેમથી વેચાણ કરી રહી છે. તેમાંથી કેટલીક કેન્સર કારક અશુદ્ધિ મળી છે. આ સમાચાર બાદ ભારતમાં પણ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા જાગ્યું છે. DGCIAએ સ્ટેટ ડ્રગ રેગ્યુલેટરને કહ્યું કે તમામ ફાર્મા કંપનીઓને પોત-પોતાની રેનિટિડીન ટેબલેટની તપાસ માટે સૂચના આપવામાં આવે.

રેનિટિડીનનો એસિડિટી માટે વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ આ દવાને જરૂરી દવાઓની યાદીમાં સ્થાન આપ્યું છે. ભારતમાં ગ્લેક્સોસ્મિથક્લાઈન, જેબી કેમિકલ્સ, કેડિલા ફાર્મા, ઝાયડસ કેડિલા, ડો. રેડ્ડી અને સન ફાર્મા જેવી કંપનીઓ લગભગ 180 બ્રાન્ડ નેમથી રેનિટિડીન ટેબલેટ બનાવે છે. તેમાં એસિલોક, પેનટેક, રેનટેક, જેનટેક જેવી જાણીતી બ્રાન્ડ્સ સામેલ છે. જોકે અત્યાર સુધીમાં રેનિટિડીન દવાની કોઈ પણ ભારતીય બ્રાન્ડમાં કેન્સર કારક અશુદ્ધિ મળવાનો ખુલાસો થયો નથી.

રેનિટિડીન દવાઓ ઘણાં ફોર્મ્યુલેશનમાં ઉપલબ્ધ છે. આ ટેબલેટ અને ઈન્જેક્શન બંને ફોર્મમાં ઉપલબ્ધ છે. ભારતમાં રેનિટિડીન દવાઓનો વાર્ષિક કારોબાર લગભગ 700 કરોડ રૂપિયાનો છે. ગત વર્ષે અમેરિકા અને યુરોપના રેગ્યુલેટર્સે કહ્યું હતું કે તેમને રેનિટિડીનની બ્રાન્ડમાં એનડીએમ મળ્યું છે. તેઓ હવે આગળની તપાસ કરી રહ્યાં છે. અગામી દિવસોમાં તેના ઉપયોગને લઈને એડવાઈઝરી પણ જાહેર થઈ શકે છે. આ મામલાની માહિતી રાખનાર ભારત સરકારના એક અધિકારીએ કહ્યું કે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ લોકોએ ગંભરાવવાની કોઈ જરૂર નથી. સરકાર આ મામલામાં યોગ્ય સમયે યોગ્ય પગલા લેશે.

ભારતીય એક્સપર્ટોનું કહેવું છે કે રેનિટિડીનને ગેસ મટાડવા માટે વપરાતી અન્ય દવાઓની સરખામણીમાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. તેનો ઉપયોગ એસિડિટી અને અપર ઈન્ટેસ્ટાઈનલ અલ્સરના ઈલાજમાં પણ થાય છે. કિડનીની સમસ્યાનો સામનો કરી રહેલા દર્દીઓને પણ ગેસના ઈલાજ માટે રેનિટિડીનનો વિકલ્પ આપવામાં આવે છે.