પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંઘે શનિવારે કહ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલે હોદો છોડ્યા બાદ કોઇ યુવા નેતાને જ તે સ્થાન મળવું જોઇએ. તેના કારણે જૂની પાર્ટીને પાછી બેઠી થવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે આધુનિક અભિગમ ધરાવતા કોઇ યુવા નેતાને સુકાન સોંપવાથી જ પાર્ટીમાં નવી શક્તિ ઉમેરાશે. તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીને વિનંતિ કરી હતી કે તે રાહુલ ગાંધીની જગ્યાએ આગામી પેઢીના કોઇ એવા યુવા નેતાની નિમણૂક કરાય કે જે તેના અપીલ અને હાજરીથી લોકોમાં ઉત્સાહ ભરી શકે.
અમરિન્દરે ઉમેર્યું હતું કે ‘કોંગ્રેસની આગેવાની કોઇ યુવા સંભાળે અને પક્ષને નવી ઊંચાઇ પર લઇ જાય તે માટે માર્ગ મોકળો કર્યો છે. ભારતમાં સૌથી વધુ યુવાઓ છે અને આ કુદરતી છે કે યુવા નેતા લોકોની આશા અને અપેક્ષાને વધુ અસરકારક રીતે સમજે અને તેની સાથે સંકળાઇ રહે.’
સિંઘે કહ્યું કે ‘પાર્ટીના સુકાનમાં કોઇ પણ ફેરફાર સામાજિક વાસ્તવિકતામાં દેખાશ કેમ કે ૬૫ ટકા વસતિ ૩૫ વર્ષથી નીચેની વયની છે. જોકે રાજીનામા અંગે અડગ રહેવું એ પાર્ટી માટે હતાશા અને પીછેહઠની વાત છે અને તે એક અન્ય યુવા નેતાની ડાયનેમિક નેતાગિરીથી જ દૂર કરી શકાશે.’

