સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ ભૂમિવિવાદ મામલે શુક્રવારે સુનાવણી કરી છે અને તેમાં મધ્યસ્થી માટે 15 ઑગસ્ટ સુધીનો સમય આપ્યો છે. મધ્યસ્થતા પ્રક્રિયાની શરૂઆત બાદ સુપ્રીમ કોર્ટમાં આ પ્રથમ સુનાવણી થઈ છે. આ સુનાવણીમાં મધ્યસ્થી સમિતિએ વધુ સમયની માગણી કરી હતી. જેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બૅન્ચે માન્ય રાખી છે.
આ અગાઉ જસ્ટિસ કલિફુલ્લા કમિટીએ મધ્યસ્થીને લઈને પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો હતો અને વધુ સમયની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે 8 માર્ચે પોતાના નિર્ણયમાં આ મામલે મધ્યસ્થીની મંજૂરી આપી હતી અને મધ્યસ્થીઓની નિમણૂક કરી હતી. આ મધ્યસ્થીઓમાં જસ્ટીસ કલિફુલ્લા, વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી-શ્રી રવિશંકર સામેલ છે.