જ્યારથી પીએમ મોદીએ પોતાનો ‘ચોકીદાર’ ગણાવ્યા છે ત્યારથી ભાજપના તમામ નેતાઓ પોતાને પણ ‘ચોકીદાર’ ગણાવી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર કોલેજની પરીક્ષા દરમિયાન ‘નકલ’ કરતો પકડાયો છે. આ અંગે કોંગ્રેસે પણ આક્ષેપો કર્યા છે કે ‘ચોકીદારનો પુત્ર ચોર’ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી ભાવનગર યુનિવર્સિટીમાં BCAમાં અભ્યાસ કરે છે. જેને લઈને સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જીતુ વાઘાણીનો પુત્ર મિત M.J.કૉલેજ ઓફ કોમર્સમાં પ્રથમ સેમિસ્ટર B.C.Aની એટિકેટિની પરીક્ષામાં 27 કાપલી સાથે નકલ કરતા પકડાયો છે. આ મુદ્દે જ્યારે યુનિવર્સિટીના કુલપતિનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમના તરફથી કોઈ. યુનિવર્સિટીના અન્ય કોઈ અધિકારી આ મુદ્દે કોઈ માહિતી આપવા તૈયાર નથી. બીજી તરફ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોપીકેસ અંગે નિવેદન આપતા કહ્યું કે એ સાચી વાત છે કે મારો પુત્ર પરીક્ષામાં નકલ કરતા ઝડપાયો છે તેને હું સ્વીકારું છું. મને વિશ્વાસ છે કે જો તેણે ભૂલ કરી હશે તો યુનિવર્સિટીના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને તેને બે વર્ષ માટે યુનિવર્સિટીમાં બ્લેકલિસ્ટ કરી પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. હું આશા રાખું છું કે લોકો આ વાતને આવકારશે કે ભાજપના વરિષ્ઠ નેતા તરીકે મેં મારા પુત્રને બચાવવા માટે સત્તાનો ઉપયોગ કરી પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી કરી નથી. જે રીતે ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓ કરી ચૂક્યા છે.
