બસે અડફેટે લેતા સગા બે ભાઈના ઘટના સ્થળે જ મોત, દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

ગુજરાત મુખ્ય સમાચાર

શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર બીઆરટીએસ બસે બાઈકસવાર બે સગાભાઈઓને કચડ્યા હતા. જયેશ રામ અને નયન રામ નામ બે ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ અસ્પષ્ટ છે અને તેમાં અકસ્માત બાદની અડધી મિનિટને કટ કરી દેવામાં આવી છે. અકસ્માત બાદ યુવાનો બસના આગળના ટાયર બાદ કચડાયેલા દેખાય છે ત્યારબાદ બંને વારાફરતી પાછળના ટાયરમાં આવી જાય છે.
રેડ સિગ્નલ થવામાં માત્ર 2 સેકન્ડ બાકી હોવાથી ફુલ સ્પીડમાં બસ હંકારી
આ મામલે બસના ચાલક ચિરાગ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બસના ડ્રાયવરે કબૂલ્યુ હતું કે રેડ સિગ્નલ થવામાં માત્ર 2 સેકન્ડ બાકી હોવાથી ફુલ સ્પીડમાં તે બસ હંકારીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. ડાબી તરફથી આવતું બાઇક અથડાયું તે તેણે જોયું ન હતું. અકસ્માતના કારણે તે ડરી ગયો હાવાથી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.
અકસ્માતના સીસીટીવી સંપૂર્ણ નહીં
અકસ્માતના જે સીસીટીવી બહાર આવ્યા છે તે કોમ્પ્યુટર કે મોબાઈલમાં સ્પષ્ટ ચાલતા દેખાતા નથી. અટકીઅટકીને વીડિયો પ્લે થાય છે. જેમાં ટ્રાફિક રાબેતા મુજબ ચાલતો દેખાય છે દરમિયાન ગ્રીન સિગ્નલ થતા જે દિશામાં સીસીટીવી કેપ્ચર થયા છે તે દિશામાંથી વાહનો જતા દેખાય છે. અધવચ્ચે વીડિયો ચોંટે અને સીધા જ બંને ભાઈઓની બાઈક બીઆરટીએસ બસના પહેલા ટાયરમાં ઘવાયેલા હોય તેવી રીતે તેમાં દેખાય છે. બાદમાં બંને પાછળના ટાયરમાં વારાફરતી આવી જાય છે. બાદમાં બંને ઢસળાઈને પંદરેક ફૂટના અંતર બંને રોડ વચ્ચે પડ્યા હોય તેમ દેખાય છે. આ અકસ્માતમાં બંને ભાઈઓના મોત થયા હતા. જારી કરાયેલા સીસીટીવી એડિટ કરાયેલા હોવાનું લાગી રહ્યું છે.
અડધી મિનિટનું ફૂટેજ ગુમ
બહાર આવેલા સીસીટીવી ફૂટેજ એડિટ કરાયા હોવાની શક્યતા છે. અકસ્માત બાદ અડધા વાહનો જતા હોય છે ત્યારે સમય 08-56-57 છે જ્યારે બાઈકનો અકસ્માત થઈ જાય છે ત્યારે સીધું બસના પહેલા ટાયરની પાછળ યુવાનોની બાઈક દેખાય છે અને ત્યારે સમય 08-57-27 છે. અડધી મિનિટના ફૂટેજ ગાયબ છે. બંને ભાઈઓની બાઈક ક્યારે ટકરાઈ? કેવી રીતે ટકરાઈ? અકસ્માત સમયે કોણે ગફલત કરી તે કંઈ પણ સીસીટીવી ફૂટેજમાં દેખાડાયું નથી.